ભારતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ જણાતા અને દેશમાં અન્ય પાંચ લોકોને રોગનો ચેપ લાગ્યો હોવાનું જણાતા ભારત સરકાર સતર્ક બની છે. અગમચેતીના પગલાંરૂપે ભારત સરકારે ઇટલી, ઇરાન, સાઉથ કોરિયા અને જાપાનના નાગરિકોને ઇસ્યુ કરેલા રેગ્યુલર અને ઇ-વિઝા રદ્ કર્યા છે. આ નાગરિકો કોઇપણ પ્રકારે ભારતમાં પ્રવેશી શકશે નહીં. સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોઇ અનિવાર્ય કારણોસર જેને ભારતમાં મુસાફરી કરવી હોય તો તેમણે નજીકની ઇન્ડિયન એમ્બેસી કે કોન્સ્યુલેટમાંથી નવેસરથી વિઝા લેવા પડશે.
5 ફેબ્રુઆરી પહેલા ચીનના નાગરિકોના રદ્ કરાયેલા વિઝાની સ્થિતિ પણ યથાવત રહેશે. જે દેશ આ વાયરસ હેઠળ અસરગ્રસ્ત છે તેવા વિદેશી નાગરિકોને 1 ફેબ્રુઆરી પછી ઇસ્યુ થયેલા વિઝા રદ્ કરાયા છે. ઉપરોક્ત દેશોના ડિપ્લોમેટ્સ, યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધિકારીઓ, ઓસીઆઇ કાર્ડહોલ્ડર્સ અને એરક્રુ સભ્યોને પ્રવેશ પરના આ પ્રતિબંધમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. જો કે, તેમને ફરજિયાત મેડિકલ પરીક્ષણ કરાવવું પડશે. આ ઉપરાંત તેમણે તેમની મુસાફરીની તમામ વિગત આપવી પડશે.
ભારતમાં દિલ્હી અને તેલંગણમાં નવા બે કેસ નોંધાતા લોકોમાં આ વાયરસના ફેલાવાની આશંકા વધી છે. નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં 45 વર્ષના એક પુરુષને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે અને તેના ચાર અન્ય પરિવારજનોના વાયરસ અંગેના ટેસ્ટ કરાયા છે, જેનો રીપોર્ટ બાકી છે. સોમવાર રાત (2 માર્ચ) સુધીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)ની લેબોરેટરીઝમાં 3,245 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી પાંચ ટેસ્ટ (કેરળના ત્રણ કેસ સહિત) પોઝિટિવ જણાયા હતા, જ્યારે 23 નમૂના શંકાસ્પદ જણાયા હતા.