કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વમાં દહેશતનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. બજાર, કારોબાર, પર્યટન, પરસ્પરના સહયોગ આ તમામ જાણે અટકી ગયું છે. કારણ, કોરોના વાઈરસ હવે વિશ્વના 50થી વધારે દેશમાં ફેલાઈ ગયો છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 83,045 કેસ સામે આવ્યા છે.
તેમાંથી 78,824 કેસ ચીનમાંથી છે. એકલા ચીનમાં 2,788 મોત થયા છે. બાકીના વિશ્વમાં 4,400 કેસ સામે આવ્યા છે અને 70 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના મતે ગુરુવારે દેશમાં 44 મોત થયા હતા. તેમાંથી 41 મોત એકલા હુબેઈ પ્રાંતમાં થયા છે. દેશમાં 327 નવા કેસ નોંધાયા છે. કોરોના વાઈરસથી પીડિત 36,115 દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.
કોરોના વાયરસ વધુ ખતરનાક બનીને દુનિયાના અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો છે. હવે મેકસીકો, ન્યુઝીલેન્ડ, નેધરલેન્ડ સહિત પાંચ દેશોમાં પણ કોરોના કેસ નોંધાયા છે. જાપાનના ક્રુઝમાં રહેલા એક બ્રિટીશ નાગરિકનું મોત નિપજયું છે. વિશ્વભરમાં ફેલાય રહેલા આ ખતરનાક રોગચાળા પર અમેરિકી ઈન્ટેલીજન્સ વિભાગ વોચ રાખી રહ્યું છે. ભારતમાં આ રોગચાળો ફેલાય તો કેવી ગંભીર હાલત સર્જાશે તેની ચિંતા છે. ઈરાન પણ કોરોના સંબંધી માહિતી છુપાવી રહ્યાની આશંકા છે.