સઉથ લંડનના બ્રિક્ષ્ટન હિલમાં જીવલેણ માર્ગ અકસ્માતમાં એપીંગમાં રહેતી 20 વર્ષીય અનિશા વિડાલ-ગાર્નરનુ મોત નિપજાવવાના આરોપ બદલ 26 વર્ષના ક્વેન્સી અનિયામ પર ત્રણ કાઉન્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને સોમવાર, તા. 24 ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે ક્રાયડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાશે.
તા. 21 ફેબ્રુઆરી બુધવારે લગભગ 9-46 કલાકે બ્રિક્ષ્ટન હિલમાં નાઇશા લોકલ સુપરમાર્કેટની બહાર પોલીસને જોઇને મર્સિડીઝ બેન્ઝ સી-ક્લાસ કારના ચાલકે 70 માઇલ પ્રતિ કલાકની ઝડપે ભાગી છૂટવા પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ તેને રોકવાના સંકેત આપ્યા છતા તે કાર રોકાઇ નહતી અને કાર ચાલકે અનિશાને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. જે કાર નજીકમાં ત્યજી દેવાઈ હતી.
કારની સાથે અથડાઇ હતી ત્યારે અનીષા તેના બોયફ્રેન્ડ અને મિત્ર સાથે હતી. આ ચોંકાવનારી ક્ષણ સ્ટોરના સીસીટીવીમાં ઝડપાઇ હતી. સીસીટીવી ફૂટેજમાં તેણી ડબલ ડેકર બસની પાછળથી રસ્તો ક્રોસ કરતી જણાય છે અને અચાનક જ તે ધસમસતી કાર જોઇને સ્થિર થઈ જાય છે અને કશુ જ સમજે તે પહેલા કાર તેને ટક્કર મારી ભાગી છુટે છે. તેણી હવામાં લગભગ 20-30 ફૂટ દૂર સુધી ફંગાળાઇને પટકાઇ હતી જેનુ ઘટનાસ્થળે જ મરણ થયુ હતુ.
ડાયરેક્ટોરેટ ઓફ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ અને ઈન્ડિપેન્ડન્ટ ઑફિસ ફોર પોલીસ કન્ડક્ટે (આઇઓપીસી) ઘટનાની સ્વતંત્ર રીતે તપાસ કરવાનો નિર્ણય લીધો છે.