ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં ભારતે ટી-20માં ક્લીન સ્વીપ કર્યા પછી વન-ડે ઈન્ટરનેશનલ્સમાં ભારતનો વાઈટવોશ કરી તે હિસાબ સરભર કરી નાખ્યો હતો, તો હવે સોમવારે (24 ફેબ્રુઆરી) પુરી થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ન્યૂઝીલેન્ડે મેચના ચોથા જ દિવસે ભારતને 10 વિકેટે હરાવી એક નવો જ રેકોર્ડ સર્જ્યો હતો. બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેન ટીમ સાઉથીના ઝંઝાવાત સામે ટકી શક્યા નહોતા અને ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગની 183 રનની સરસાઈ માંડ માંડ પુરી કરતાં 191 રને પહોંચ્યા હતા. આ રીતે, ન્યૂઝીલેન્ડને એક ઈનિંગના વિજયથી તો વંચિત રાખી શક્યા હતા, પણ એકંદરે યજમાન ટીમનો 10 વિકેટે વિજય થયો હતો.
વરસાદના વિધ્ન સાથે શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ ઈનિંગમાં પહેલા દિવસે પાંચ વિકેટે 122 રન કર્યા હતા. બીજા દિવસે ભારતની ઈનિંગ ફક્ત વધુ 53 રનના ઉમેરા સાથે, 165 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત વતી ઓપનર મયંક અગ્રવાલે 34 તથા અજિંક્ય રહાણેએ 46 રન કર્યા હતા, તો ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને જેમીસને 4-4 વિકેટો ખેરવી હતી.
જવાબમાં ન્યૂઝીલેન્ડે પહેલી ઈનિંગમાં સુકાની કેન વિલિયમસને 89, રોસ ટેલર અને જેમીસને 44-44 તથા ગ્રાંડહોમે 43 રન કરી ટીમને 183 રનની જબરજસ્ત સરસાઈ અપાવી હતી. યજમાન ટીમે ભારતના 165ના જવાબમાં 100 ઓવર મેદાનમાં રહી 348 રન કર્યા હતા. ભારત તરફથી ઈશાંત શર્માએ 5 અને રવિચન્દ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. જવાબમાં ભારત બીજી ઈનિંગમાં પણ 200 રન સુધી પહોંચી શક્યું નહોતું અને મંયક અગ્રવાલના 58 રન સૌથી વધુ સ્કોર રહ્યો હતો. જો કે, ભારતના ફક્ત બે જ બેટ્સમેન બે આંકડે નહોતા પહોંચ્યા, પણ અગ્રવાલ સિવાય કોઈ 30 સુધી પણ પહોંચી શક્યો નહોતો. બીજી ઈનિંગમાં પણ ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ સૌથી વધુ, પાંચ વિકેટ ઝડપી હતી, તો ટ્રેન્ટ બોલ્ટે ચાર લીધી હતી. 9 વિકેટ ખેરવી વિજયમાં મહત્ત્વના પ્રદાન બદલ સાઉથીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.