હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને MI5 વચ્ચે વિવાદના આક્ષેપ

0
1237
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ (Photo by Christopher FurlongGetty Images)

સન્ડે ટાઇમ્સે દાવો કર્યો હતો કે હોમ સેક્રેટરીને તેમના પુરોગામીની જેમ સુરક્ષા અને ગુપ્ત માહિતીનુ બ્રીફિંગ મળતુ નથી કારણ કે MI5 અધિકારીઓ તેમના પર વિશ્વાસ કરતા નથી. જો કે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શ્રીમતી પટેલ અને MI5 વચ્ચે “ગાઢ અને સઘન કાર્યકારી સંબંધો છે અને તેમના વિરુદ્ધ પાયાવિહોણા દાવાઓ ખોટા અને લોકહિતની વિરુદ્ધ છે.”

આક્ષેપો બાદ MI5 એ પટેલથી અમુક માહિતી છુપાવતા હોવાનુ નકારી કાઢી પટેલ ગંદા અભિયાનનો ભોગ બન્યા હોવાનુ જણાવ્યુ હતુ. જાસૂસી વડાઓએ આક્ષેપોને રદિયો આપ્યો કે તેઓ ગૃહ સચિવ પ્રીતિ પટેલ પર વિશ્વાસ નથી કરતા. આ અગાઉ પ્રીતિ પટેલ પર તેમના વિભાગના સૌથી વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સર ફિલિપ રત્નમને બળજબરીથી બહાર કાઢવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ મૂકાયો છે.

વડાપ્રધાને પણ શ્રીમતી પટેલનું સમર્થન કર્યું છે અને તેમના સત્તાવાર પ્રવક્તાએ પત્રકારોને કહ્યું હતું કે બોરીસ જ્હોન્સનને હોમ સેક્રેટરી ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. હોમ ઑફિસે જણાવ્યું હતું કે બોરીસ જ્હોન્સન વડા પ્રધાન બન્યા ત્યારથી હોમ સેક્રેટરી તરીકે સેવા આપતા પટેલ વિશે “કોઈ ઔપચારિક ફરિયાદો” થઈ નથી.

સિક્યુરીટી મિનીસ્ટર જેમ્સ બ્રોકનશાયરે બીબીસી બ્રેકફાસ્ટને કહ્યું હતું કે ‘’શ્રીમતી પટેલ વિશે ઘણી બધી ખોટી વાતો” ફેલાયેલી હતી અને હું ખોટા આક્ષેપોને માન્યતા આપતો નથી.” ભૂતપૂર્વ નેતા ઈયાન ડંકન સ્મિથે પણ પટેલ “તેજસ્વી” કામ કરી રહ્યા હતા તેમ જણાવ્યુ હતુ.

ભૂતપૂર્વ એન્વાયર્નમેન્ટ મિનીસ્ટર થેરેસા વિલિયર્સે કહ્યું હતું કે તેઓ “ઉચ્ચ સ્તરે પદ પર આરૂઢ મહિલાઓ વિરુદ્ધ લઘુતા ગ્રંથીથી પીડાતા લોકો બકવાસ કરતા જ હોય છે. હું ચોક્કસપણે નિશ્ચિત છું કે તેણી સિવિલ સર્વન્ટ પાસે સખત કામ કરાવે છે પણ તેઓ સ્ટાફ સાથે કંઇ પણ અયોગ્ય કરતા નથી.’’ પ્રીતિ પટેલને તેમણે  “અત્યંત અસરકારક હોમ સેક્રેટરી” ગણાવ્યા હતા. વિવાદ પછી કોમન્સમાં વરિષ્ઠ કન્ઝર્વેટિવોએ હોમ સેક્રેટરીની આસપાસ રેલી કાઢી તેમને બિરદાવ્યા હતા.

વ્હાઇટહોલના સ્ટાફને એક ઈમેલમાં, કેબિનેટ સેક્રેટરી સર માર્ક સેડવિલે કહ્યું હતું કે પ્રધાનો, સિવિલ સર્વન્ટ્સ અને વિશેષ સલાહકારો વચ્ચેની “સજ્જતા, ગુપ્તતા અને સૌજન્યતા” સારી સરકાર જેના પર નિર્ભર છે તેના વિશ્વાસ માટે નિર્ણાયક છે.”