સત્તાવાર આંકડા અનુસાર કોરોનાવાયરસવાળા ચાર બ્રિટીશ નાગરીક હાલમાં જાપાનની હોસ્પિટલમાં છે. સોમવારની બપોર સુધીમાં યુકેમાં કુલ 4,501 લોકોનુ કોરોનાવાયરસ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતુ જેમાં બહુમતી લોકોના રીઝલ્ટ નેગેટીવ આવ્યા હતા અને ફક્ત નવના ટેસ્ટ જ પોઝીટીવ આવ્યા છે.
જાપાનમાં ક્યુરેન્ટાઇન એટલે કે અલગ રખાયેલા ક્રુઝ શિપ ‘ડાયમંડ પ્રિન્સેસ‘ પર રોકી રાખવામાં આવેલ બ્રિટિશ દંપતી સેલી અને ડેવિડ એબેલે તેમના પુત્રને કહ્યું હતુ કે તેમનુ વાયરસ માટે પરીક્ષણ કરાતા તેઓના ‘ટેસ્ટ પોઝિટિવ’ આવ્યા છે. ડાયમંડ પ્રિન્સેસ પર આશરે 3,700 લોકો સવાર છે.
સેલી અને ડેવિડ નોર્ધમ્પટનશાયરમાં રહે છે અને ક્રુઝ પર કુલ 74 બ્રિટિશ નાગરિકોને 3 ફેબ્રુઆરીથી રાખવામાં રાખવામાં આવ્યા છે. યુકે ફોરેન ઓફિસે જણાવ્યું હતું કે બોર્ડ પરની શરતોને ધ્યાનમાં રાખીને તેઓ બ્રિટિશ નાગરિકોને “યુકે પાછા લાવવા ફ્લાઇટની ગોઠવણનું કામ કરી રહ્યા છે. જેમનુ આગામી બે-ત્રણ દિવસમાં સ્થળાંતર થવાની સંભાવના છે.
અબેલના પુત્ર સ્ટીવે બીબીસી બ્રેકફાસ્ટને કહ્યું હતું કે ‘’તેમના પિતાએ મંગળવારે સવારે તેને ઇમેઇલ કરી જાણ કરી હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મેં મારી માતા સાથે પણ વાત કરી હતી અને તે “ઓકે” છે અને તેઓ સાથે જ છે. શીપ યોકોહોમા બંદર પર છે જ્યાં પિતાના ડાયાબિટીસને સાચવવાનુ અઘરૂ છે. મારા માતાપિતાને યુકેમાં ક્વોરેન્ટેઇન કરાય તો સારૂ જ્યાં મારા પિતા માટે ખોરાક વધુ યોગ્ય છે. હું ખરેખર વાયરસ વિશે ચિંતિત નથી પણ તેમના તણાવ અને આહાર વિશે વધુ છે. યુકે સરકાર તેમના માતાપિતા પ્રત્યેની દરકાર સારી ન હતી.’’
યુ.એસ. પહેલેથી જ 300થી વધુ નાગરિકોને બે વિમાનો ચાર્ટર પર લઇ શીપ પરથી પરત મોકલી ચૂક્યું છે. મંગળવારે, જાપાની અધિકારીઓએ કહ્યું હતુ કે શીપ પર ચેપના 88 નવા કેસ છે અને તે સાથે કુલ કેસની સંખ્યા 542 થઇ છે. જે ચીનની બહારના કેસોમાં સૌથી મોટી છે. પ્રિન્સેસ ક્રુઇઝના પ્રમુખ જન સ્વર્ટેઝે જણાવ્યું હતું કે કંપનીએ વહાણમાં વધુ ડોકટરો અને નર્સો મોકલ્યા છે. બુધવારે મુસાફરોને 14 દિવસની ક્વાર્ટેન્ટિઅર અવધિના અંતમાં જહાજ છોડવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે અંગે હજી પણ અનિશ્ચિતતા છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને હિથ્રોના અધિકારીઓએ ઘટના વિશે કોઈ માહિતી જાહેર કરવાની ના પાડી હતી. બુધવારે તા. 12ના રોજ બ્રિટનના નવ પૈકી એક દર્દી લંડનમાં ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સમાં ગયો હોવાનું બહાર આવ્યું હતુ. જેને પગલે વેસ્ટમિંસ્ટર બસ કોન્ફરન્સમાં ગયેલા બે લેબર સાંસદ જાતે જ પોતાની જાતે અલગ થઇ ગયા હતા.
લેબર સાંસદ એલેક્સ સોબલે ટ્વિટર પર ઘોષણા કરી હતી કે ક્યૂઆઈઆઈ સેન્ટરમાં ગયા પછી સાવચેતી રૂપે આગામી તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. નોટિંગહામ સાઉથના લેબર સાંસદ લિલિયન ગ્રીનવુડે પણ તેવી જ જાહેરાત કરી હતી. આ યુકે બસ સમિટમાં 250 પ્રતિનિધિઓ હાજર હતા.
ટોચના વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસને એન્જિનિયર કરવામાં આવ્યો હોવાનો ઇનકાર કર્યો છે અને વાયરસ એક પ્રયોગશાળામાંથી લીક થયો છે તેવી અફવાઓનો પણ ઇનકાર કર્યો છે. ડોક્ટર્સે ચર્ચ કે મંદિરે જતા લોકોને ‘કફ અને છીંક’ આવતી હોય તો હાથ મિલાવવાનું ટાળવા વિનંતી કરી છે.
વિશ્વભરના લગભગ 65,000 દર્દીઓ કોરોનાવાયરસનો ભોગ બન્યા છે અને 1,400 લોકો મોતને ભેટ્યા છે ત્યારે હિથ્રો ખાતે તા. 14ના રોજ સવારે જ કોરોનાવાયરસના ભયે 8 વિમાનોને અલગ કરી દેવાયા હતા. શુક્રવારે તા. 14ના રોજ સવારે 6.45 કલાકે મલેશીયાના કુઆલા લુંપાથી આવેલી બ્રિટીશ એરવેઝની બીએ-34 ફ્લાઇટના મુસાફરોએ જીવલેણ વાયરસના લક્ષણોની ફરિયાદ કર્યા પછી બે કલાક માટે ટર્મેક પર રાખવામાં આવી હતી. હેઝમેટ સ્યુટમાં સજ્જ આરોગ્ય કર્મચારીઓ ફ્લાઇટમાં ગયા હતા અને એક જ પરિવારના આઠ લોકોને છૂટા કરી તપાસ કરવામાં આવી હતી. જ્યારે બીજા મુસાફરોને હરોળમાં બહાર કાઢવામાં આવ્યા હતા.
આજ રીતે સાન ફ્રાન્સિસ્કોથી આવેલી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 901 એરપોર્ટ પર ઉતર્યા બાદ સવારે 9 વાગ્યે અલગ કરી દેવાઇ હતી. કેપ્ટને મુસાફરોને જણાવ્યું હતું કે તેમના અને અન્ય સાત વિમાનોમાં કોરોનાવાયરસના શંકાસ્પદ કેસ છે. એક શંકાસ્પદ પીડિત વ્યક્તિ હોવાના કારણે તમામ મુસાફરોને કેપ્ટન દ્વારા પોતાની બેઠકો પર રહેવાનું કહેવામાં આવ્યું હતું. એક મુસાફરે મેઇલ ઓનલાઇનને જણાવ્યુ હતુ કે ‘ફ્લાઇટમાં રહેલા સ્ટાફે કોઈ રક્ષણાત્મક ગિયર અથવા ફેસ માસ્ક પહેર્યા વિના તે મુસાફરને વિમાનના પાછળના ભાગે લઈ ગયા હતા અને હેઝમેટ સ્યુટમાં સજ્જ આરોગ્ય અધિકારીઓની રાહ જોઇ હતી. આખરે દરેકને અડધા કલાક પછી ઉતરવાની મંજૂરી આપવામાં આવી.
તા. 12ના રોજ બુધવારે પ્રથમ કેસ મળ્યા પછી લંડન વધુ કેસો માટે રેડ એલર્ટ પર છે.