સહારા ગ્રૂપે રોકાણકારોને પાછા આપવા માટે ૧૫,૪૪૮ કરોડ રૂપિયા સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં જમા કરાવ્યા છે. નાણાખાતાના રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે આ જાણકારી સંસદમાં એક લેખિત જવાબમાં આપી હતી. તેમણે કહ્યું હતું કે ગયા મહિને સહારા ગ્રૂપ દ્વારા ૪૧.૫૯ કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો જેને સેબી સહારા ફંડમાં જમા કરાવવામાં આવ્યો છે. જોકે રોકાણકારોને હજી સુધી આ રકમ પાછી અપાઈ નથી. સહારા ગ્રૂપ ઉપર ખોટી રીતે ફંડ એકઠું કરવાનો કેસ ચાલી રહ્યો છે.
સેબીએ અદાલતને જણાવ્યું હતું કે ૩.૦૭ કરોડ રોકાણકારો પાસેથી સહારા ગ્રૂપની બે કંપનીઓ સહારા ઇન્ડિયા રીઅલ એસ્ટેટે ૧૯,૪૦૦.૯૭ કરોડ રૂપિયા અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ૬,૩૮૦.૫૦ કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. આ ફંડ એકઠું કરતી વખતે કંપનીઓએ જરૂરી નિયમોનું પાલન કર્યું નહોતું.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સેબીને રિફંડ માટે ૧૯,૫૬૦ અરજીએ મળી છે જેમાંથી ૫૩,૩૬૧ મૂળ બોન્ડ સર્ટિફિકેટ કે પાસબુક હતી. એમાં ૮૧.૩૦ કરોડ રૂપિયાના રિફંડની માગણી કરાઈ છે. સેબીએ ૧૪,૧૪૬ કેસમાં ૧૦૯.૮૬ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. એમાં ૫૮.૫૨ કરોડ રૂપિયાની મૂળ રકમ અને ૫૧.૩૪ કરોડ રૂપિયાનું વ્યાજ સામેલ છે. ગયા મહિને સુપ્રીમ કોર્ટમાં સહારા ગ્રૂપના ચીફ સુબ્રત રોય અને બે અન્ય ડિરેક્ટર્સને ૨૫,૭૦૦ કરોડ રૂપિયા જમા કરાવવામાં નિષ્ફળ રહેવાના કેસમાં આગલા આદેશ સુધી વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર રહેવામાંથી છૂટ અપાઈ હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં અદાલતે સુબ્રત રોય અને બે ડિરેક્ટર્સ રવિ શંકર દુબે અને અશોક રોય ચૌધરીને કોર્ટમાં વ્યક્તિગત હાજર રહેવાનો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સહારા ગ્રૂપ દ્વારા રોકાણકારોના નાણાં પાછા આપવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવતા નથી. અદાલતે સહારા ગ્રૂપને ૨૫,૭૦૦ કરોડ રૂપિયા જમા કરાવવા આદેશ આપ્યો છે.