સ્ટોર્મ સીઆરા પછી બીજા સપ્તાહે સ્ટોર્મ ડેનિસ ત્રાટકતા યુકેના વિવિધ વિસ્તારોમાં 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક વ્યક્તિ હજૂ ગુમ છે. વાવાઝોડાના કારણે યુકેના મોટા ભાગના વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા ફરજ પડી હતી. માત્ર બે દિવસમાં બ્રિટનનો એક મહિનાનો વરસાદ પડતા ઠેરઠેર બરબાદી નજરે પડતી હતી અને જાણે કે ચારે કોર વિનાશ સર્જાયો છે. ભારે પૂર અને વાવાઝોડા સામે બચાવ કામગીગરી કરવા આર્મીની મદદ લેવાઇ હતી.
ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતુ કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પૂર વિશે “નિયમિત અપડેટ્સ” પ્રાપ્ત કરી રહ્યા છે. જો કે શેડો એન્વાયર્નમેન્ટ સેક્રેટરી લ્યુક પોલાર્ડે કહ્યું હતુ કે જ્હોન્સને પૂર અસરગ્રસ્ત સમુદાયોની મુલાકાત લીધી નહિ તે ખૂબ ખરાબ બાબત છે.
પૂર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો માટે સરકારે કટોકટી ભંડોળ યોજના શરૂ કરી છે, જેમાં નોટિંગહામશાયર, લેસ્ટરશાયર, ડર્બીશાયર, શ્રોપશાયર, ટેલફર્ડ અને રેકિન, વૉસ્ટરશાયર અને હેરફોર્ડશાયરના ભાગો સામેલ છે.
રવિવારે સ્ટોર્મ ડેનિસ દરમિયાન સ્કોટલેન્ડના ફોર્ટ વિલિયમ નજીકના સ્ટોબ બેન તરફ જવાના માર્ગ પર 42 વર્ષીય એક વ્યક્તિ લગભગ 98 ફુટ ઉંડી ખાઇમાં પડી જતા તેનુ મરણ થયુ હતુ. તેમનો મૃતદેહ માઉન્ટેઇન રેસ્ક્યુ વોલંટીયર્સને મળી આવ્યો હતો. જોકે તે માટે તેમણે 50 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને પડકારજનક પરિસ્થિતિઓમાં છ કલાક મહેનત કરવી પડી હતી.
શનિવારે તા. 15ના રોજ મારગેટ હાર્બર પર ફ્યુઅલ ટેન્કર પરથી પડી જતી એક વ્યક્તિનુ મરણ થયુ હતુ. જ્યારે એક કિશોર કેન્ટના હર્ન બે નજીક દરિયામાં ગુમ થયો હતો. સાઉથ વેલ્સના યસ્ટ્રાડગિનેલીસમાં તાવે નદીમાં પડ્યા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જે પાછળથી તેબેનોસ વિસ્તારમાં નદી કિનારેથી મૃત મળી આવ્યો હતો.
વેસ્ટ મર્સીયા પોલીસે જણાવ્યું હતુ કે બર્મિંગહામની ઇવાન બૂથ નામના 55 વર્ષની મહિલાની લાશ મળી આવી છે. પૂરના પાણીમાં તેની કાર ટેનબરી વેલ્સ પાસે અટવાઈ ગઈ હતી. તેના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “ઇવાન અમારા પરિવારની ખૂબ જ પ્રિય સભ્ય છે અને અમે બધા આ સમાચારથી હચમચી ગયા છીએ.” ઇવોન બૂથના પતિનુ અગાઉ મરણ થયુ હતુ. તેની શોધ કરવા માટે વેસ્ટ મર્સીયા પોલીસ હેલિકોપ્ટરના ઉપયોગ સહિત ‘બચાવ’ કામગીરી આદરવામાં આવી હતી.
બીબીસીના અહેવાલ મુજબ વેસ્ટ મિડલેન્ડ્સ એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું હતું કે ઇસ્ટહામ બ્રિજ નજીક બે લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા. એક મહિલા ગાયબ થઈ ગઈ હતી. જ્યારે તેની નજીકથી બચાવી લેવામાં આવેલા એક વ્યક્તિને એરલિફ્ટ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સસેક્સ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 20ના દાયકાની એક યુવતી બ્રાઇટનના કિંગ્સ રોડની સામે દરીયા કિનારે અચાનક જ પાણીમાં પ્રવેશી હતી જેને વિશાળ દરીયાઇ મોજુ તાણી ગયુ હતુ. તા. 16ની સવારે 2.45 વાગ્યે તેની શરૂ કરવામાં આવી હતી પણ તે મળી નથી. કોસ્ટગાર્ડ, એમ્બ્યુલન્સ સેવા અને બ્રાઇટન બીચ પેટ્રોલીંગ જોડાયા હતા. ગુમ થયેલી મહિલાની શોધ માટે એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યુ હતુ. પોલીસ અને કોસ્ટગાર્ડે ઘણા કલાકો સુધી ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક વાતાવરણમાં શોધ કરી હતી પરંતુ તે મહિલાને શોધી શક્યા નથી. પોલીસે જણાવ્યુ હતુ કે અમે હંમેશા લોકોને વિનંતી કરીએ છીએ કે હવામાન ખૂબ ખરાબ હોય ત્યારે લોકો ખૂબ કાળજી રાખે અને દરિયાકિનારે ગમે ત્યાં પાણીના પ્રવાહથી દૂર રહે.
હેરફોર્ડમાં સ્ટોર્મ ડેનિસ પછી પૂરના પાણીથી છલકાતી શેરીઓમાં ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓએ લોકોને બચાવવા પડ્યા હતા. પગની ઘૂંટીમા ઇજા પામેલા એક વ્યક્તિને બચાવી લેવા એસીંગટોનની નજીક શિપર્સિયા બે ખાતે કોસ્ટગાર્ડનુ બચાવ હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યુ હતુ. વૉસ્ટરશાયરના ટેનબરી વેલ્સમાં પૂરના પાણીમાં એક કાર ડૂબી ગઇ હતી. તો નદીમાંથી પૂરના પાણીમાં લિન્ડ્રિજ, વૉસ્ટરશાયર ખાતે એ443 પર એક કોચ ડૂબી ગયો હતો. સ્ટોર્મ ડેનિસના પગલે નદીના સ્તરમાં સતત વધારો થતો હોવાથી વૉસ્ટરશાયર અને હેરફર્ડશાયરમાં વ્યાપક સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ.
લડલો, શ્રોપશાયરમાં ઓછામાં ઓછા 30 ઘરો પાણીથી છલકાઇ ગયા હતા અને ટેમ નદી 2007માં નોંધાયેલા ઉચ્ચતમ સ્તરની નીચે પહોંચી ગઇ હતી. ટેનબરીમાં આશરે 130 જેટલા ઘરોને રાતોરાત ખાલી કરાવવામાં આવ્યા હતા. વેસ્ટ મિડલેન્ડ્સના આશરે 270 જેટલા લોકો સાથે યુકેમાં લગભગ 420 ઘરમાં પૂરના કારણે પાણી ભરાઇ ગયા હતા. વૉસ્ટરશાયરમાં આશરે 200 જેટલા ઘરોને પૂરની અસર થઇ હતી.
બ્રિટનની સરકારી હવામાન એજન્સીએ સાઉથ વેલ્સ માટે જવલ્લે જ અપાતી રેડ વોર્નીંગ જાહેર કરી હતી અને કહ્યું હતું કે “પૂરથી નોંધપાત્ર અસરો” થવાનું જોખમ છે. રવિવારે સ્કોટલેન્ડની રિવર ટિવ્ડથી લઇને સાઉથવેસ્ટ ઇંગ્લેંડના કોર્નવોલ સુધીના વિસ્તારો માટે પૂરની રેકોર્ડરૂપ કુલ 594 ચેતવણીઓ આપવામાં આવી હતી. સાઉથ વેલ્સના એબરડેરોનમાં પ્રતિ કલાક 90 માઇલ (150 કિલોમીટર)થી વધુ ઝડપે પવન ફૂંકાયો હતો. ધોધમાર વરસાદ અને પવનને કારણે રસ્તાઓ અને રેલવે ખરાબ રીતે અસરગ્રસ્ત થયા હતા. બ્રિટિશ એરવેઝ અને ઇઝિ જેટે પુષ્ટિ કરી હતી કે કેટલીક ફ્લાઇટ્સ રદ કરાઇ હતી.
ગયા સપ્તાહના સ્ટોર્મ સીઆરાના કારણે પૂરથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલા વેસ્ટ યોર્કશાયરમાં સંરક્ષણ મંત્રાલયે સૈન્ય તૈનાત કર્યુ હતુ. ડીફેન્સ મિનીસેટર બેન વૉલેસે કહ્યું હતુ કે જરૂર પડશે ત્યારે અમારા સશસ્ત્ર દળો સ્થાનિક સત્તાવાળાઓ અને સમુદાયોને મદદ કરવા હંમેશાં તત્પર રહે છે.
સ્ટોર્મ ડેનિસ પછી પૂરના કારણે લેસ્ટરશાયરના રસ્તાઓ બંધ થયા હતા. રવિવારે, વાવાઝોડાના કારણે લેસ્ટર અને લેસ્ટરશાયરશાયરના ત્રણ ભાગોમાં પાવર કટને કારણે 100થી વધુ ઘરો અને બિઝનેસીસ પાવર વગર રહ્યા હતા. લેસ્ટરના સ્ટોનીગેટ સ્થિત આલ્બર્ટ રોડની ટિફની કોર્ટ્સ એપાર્ટમેન્ટની છતનો એક ભાગ તૂટી પડતા કેટલાક રહેવાસીઓએ ઘર ખાલી કરવુ પડ્યુ હતુ.
લેસ્ટરશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસના ઓપરેશન રિસ્પોન્સ માટેના ગ્રુપ મેનેજર, મેટ કેને જણાવ્યું હતું કે તેમણે કેટલાક ડ્રાઇવરોને ‘રોડ પર પૂર’ હોવાની ચેતવણીને અવગણીને જતા જોયા હતા જેઓ પછી પૂરના પાણીમાં અટવાઈ ગયા હતા. જે ડ્રાઇવરોની મૂર્ખતા કહી શકાય.
સોમવારે તા. 17ના રોજ પણ હેરફોર્ડમાં તેમના પૂરગ્રસ્ત ઘરોમાંથી લોકોને બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૉસ્ટરશાયરના કેટલાક ભાગોમાં સેવરન નદી કાંઠા તોડીને વહેતી હોવાથી રહેવાસીઓને સલાહ આપવામાં આવી હતી કે તેઓ પોતાના ઘરો છોડી દે.
સોમવારે સાંજે ઇંગ્લેન્ડમાં સાત ગંભીર ચેતવણીઓમાંથી બે અકિંગહોલ અને અપ્ટોન અપોન સેવરનના રહેવાસીઓને અપાઇ હતી અને તેમને ઘર ખાલી કરવા સલાહ આપવામાં આવી હતી. તે જ રીતે સોમવારે રાત્રે વેલ્સના મોનમાઉથ ખાતે રિવર વાઈ માટે બે ગંભીર ચેતવણીઓ આપવામાં આવી હતી અને મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. પર્યાવરણ એજન્સીએ જણાવ્યું હતું કે વાવાઝોડા અને મુશળધાર વરસાદ પછી 480થી વધુ સંપત્તિ પૂરગ્રસ્ત થઇ ગઈ હતી.
કાર્ડિફ નજીક, નાન્ટગરમાં 100થી વધુ ઘરોમાં પૂરના પાણી ભરાઇ ગયા હતા અને પૂર અને ભૂસ્ખલનથી અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે અને રસ્તાઓ અવરોધિત થયા હતા. સાઉથ વેલ્સ વેલીમાં સપ્તાહના અંતમાં 40 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન સૌથી વધુ પાણીનું સ્તર જોવા મળ્યું હતુ.
પર્યાવરણ એજન્સીના કર્ટિનના જણાવ્યા અનુસાર રવિવારે ઇંગ્લેન્ડ માટે રેકોર્ડ નંબરની ચેતવણીઓ આપવામાં આવી હતી. સ્ટોર્મ સીઆરાના કારણે ભારે વરસાદથી સંતૃપ્ત જમીન વધુ પાણી ચૂસી શકે તેમ ન હોવાથી સ્ટોર્મ ડેનિસને લીધે આવેલા ભારે પૂરની અસર વધારે થઇ હતી.
ફ્લાઇટ્સ અને ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને જેમણે પોતાનું ઘર છોડવું પડ્યું હતુ તેવા લોકો માટે કટોકટી કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.
આ વાવાઝોડાએ ફ્રાન્સના મોટાભાગના વિસ્તારોમાં પણ તબાહી મચાવી દીધી હતી અને નોર્થ-વેસ્ટ ફ્રાન્સમાં લગભગ 60,000 લોકો પાવર કટનો ભોગ બન્યા હતા અને રેલ ટ્રાફિક ખોરવાયો હતો. આ વાવાઝોડાએ બે હાઈ-સ્પીડ ટીજીવી ટ્રેન સેવાઓને વિક્ષેપિત કરી હતી. રવિવારે સમગ્ર જર્મની, ડેનમાર્ક અને દક્ષિણ સ્વીડનમાં પવન ફૂંકાયો હતો.