રવિવારે બ્રિટનમાં આવેલા ડેનિસ વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડયો હતો જેમાં અનેક શહેરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.ભારે પવન ફુંકાતા સરકારે દક્ષિણ વેલ્સમાં જીવન પર ભય હોવાની ચેતવણી આપી હતી.
સરકારી હવામાન ખાતાએ જવલ્લેજ અપાતી ચેતવણી આપી હતી કે ભારે પૂરના કારણે શહેરોમાં પાણી ફરી વળતા લોકોના જાનમાલ પર જોખમ હોઇ શકે છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થઇ શકે છે અને જીવન પર જોખમ ઊભું થઇ શકે છે.
રવિવારે સવારે લગભગ 200 ચેતવણી આપવામાં આવી હતી. સ્કોટલેન્ડની ટવિડ નદી થી દક્ષિણપશ્ચિમ ઇંગ્લેન્ડના કોર્નવેલ સુધી ચેતવણી અપાઇ હતી. પવનની ગતી કલાકની 150 કિમી હતી. સંરક્ષણ મંત્રાલયે અગાઉ વેસ્ટ યોર્કશાયરમાં અને ઉત્તરી ઇંગ્લેન્ડમાં લશ્કરી દળો તૈનાત કરાયા હતા.
ગયા સપ્તાહે સિઆરા વાવાઝોડાના કારણે સૌથી વધારે અસર યોર્કશાયરને થઇ હતી. ‘અમારા સેનિકો સ્થાનિક સત્તાવાળાઓ તેમજ સમાજને મદદ કરવા માટે તૈયાર છે.તેમની તમામ પ્રકારની જરૂરિયાતો પુરી કરાશે’એમ સંરક્ષણ મંત્રી બેન વાલેસે કહ્યું હતું.
બ્રિટિશ એરવેઝ અને ઇઝી જેટ દ્વારા તેમની તમામ ફલાઇટો રદ કરાઇ હતી. શનિવારે ઇંગ્લેન્ડના દક્ષિણ કિનારેથી બે મૃત્યદેહ બહાર કઢાયા હતા. તે પૈકીનો એક એલપીડી ટેન્કરનો હોવાનું મનાય છે જે અગાઉ લાપતા મનાતો હતો.
છેલ્લી વખતે તે થોડા કલાકો પહેલાં જ જોવા મળ્યો હતો. આમ ડેનિસ વાવાઝોડાના કારણે આખા બ્રિટનમાં પાણીએ તબાહી મચાવી હતી. સરકારી એજન્સીઓએ અનેક વખતે લોકોને ચંતવણી આપી હતી. લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઇ ગયા હતા.