ચોથા કવાર્ટરમાં ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે કંપનીના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો કે ચોથા કવાર્ટરમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં કંપનીના નફામાં વધારો નોંધાયો છે. ચોથા કવાર્ટરમાં ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં નફો ૧૯ ટકા વધીને ૧૦.૭ બિલિયન ડોલર રહ્યું છે. બીજી તરફ આવક પણ ૧૭ ટકા વધીને ૪૬ બિલિયન ડોલર રહી છે.
જો કે ધારણા મુજબ પરિણામ ન આવતા આલ્ફાબેટના શેરના ભાવમાં ૪.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કેલિફોર્નિયાની જાયન્ટ ટેકનોલોજી કંપની ગૂગલ ઓનલાઇન સર્ચમાં પ્રભુત્ત્વ ધરાવે છે એને તેણે એન્ડ્રોઇટ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે.
કંપની હવે ડિજિટલ એડવર્ટાઇઝિંગ પરનું પોતાનું અવલંબન ઘટાડવા માગે છે. કંપનીના સીઇઓ સુંદર પિચાઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કલાઉડ કોમ્પ્યુટિંગ સહિતના સેક્ટરમાં રોકાણ વધારી રહ્યાં છે.
કંપનીના આવકના આંકડા જાહેર થયા પછી ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર(સીએફઓ) રુાથ પોરાતે જણાવ્યું હતું કે છેલ્લા કવાર્ટરમા કલાઉડ કોમ્પ્યુટિંગની આવક ૨.૬ બિલિયન ડોલર રહી છે. જે ૫૦ ટકા વધારો દર્શાવે છે અને સમગ્ર વર્ષમાં કલાઉડ કોમ્પ્યુટિંગની આવક ૯ બિલિયન ડોલર રહી છે.
જો કે હજુ પણ ગૂગલની આવકની મોટા ભાગનો હિસ્સો એડવર્ટાઇઝિંગમાંથી આવે છે. છેલ્લા કવાર્ટરમાં એડવર્ટાઇઝિંગની આવક ૩૮ બિલિયન ડોલર રહી છે. જ્યારે સમગ્ર વર્ષમાં એડવર્ટાઇઝિંગની આવક ૧૬૨ બિલિયન ડોલર રહી છે.
ચોથા કવાર્ટરના પરિણામોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુટયુબની આવક પણ મજબૂત રીતે વધી રહી છે.
ચોથા કવાર્ટરમા આલ્ફાબેટના અન્ય બિઝનેસ ઓટોનોમસ વેહિકલ, લાઇફ સાયન્સ અને ડ્રોન ડિલિવરીની આવક ૧૭.૨ કરોડ ડોલર રહી છે.