સીઆરા સ્ટોર્મને કારણે કલાકના 90 માઇલની ઝડપે પવન ફૂંકાતા અને ભારે વરસાદના કારણે યુકેમાં કેટલાક વિસ્તારોમાં ભારે પૂર આવતા જનજીવન ખોરવાયુ હતુ અને ટ્રાન્સપોર્ટને અસર થતા હજારો લોકોની મુસાફરીમાં વિક્ષેપ સર્જાયો હતો, ફ્લાઇટ્સ કેન્સલ કરાઇ હતી. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા અને મકાનોને નુકસાન થયું હતુ. કેટલીક નદીઓ પાળા તોડી વહેતી થતાં મકાનો ખાલી કરાવવા પડ્યા હતા. “જાહેર સલામતીનાં કારણોસર” મહારાણી નૉર્ફોકના સેન્ડરીંગહામ ચર્ચમાં નહોતા ગયા. પૂરગ્રસ્ત રસ્તાઓ પર ફસાયેલા વાહનચાલકોને બચાવવા કોસ્ટગાર્ડની સેવાઓ લેવી પડી હતી અને ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઇ હતી.
રવિવારે બપોરના 4 વાગ્યે વિન્ચેસ્ટરથી હન્ટ્સના માઇકલ્ડિવરમાં ઘરે જઈ રહેલા 58 વર્ષના ડ્રાઇવરની મર્સીડીઝ કાર પર એક ઝાડ તૂટી પડતાં તેનુ મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે પવનની ગતિ 60 માઇલથી વધુ હોવાનો અંદાજ છે. આ માર્ગ કેટલાક કલાકો બંધ રહ્યો હતો. બીજા બનાવમાં સોમવારે સવારે વેસ્ટ ડમ્બટનશાયરના ક્લાઇડબેંકમાં 77 વર્ષના એક વૃધ્ધ બરફ પર પડ્યા પછી માથામાં ઇજા થતા મોતને ભેટ્યા હતા. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગઇ હતી પરંતુ તેને બચાવી શકાયા નહોતા. રવિવારે દેશભરમાં કલાકના 90 માઇલની ઝડપે ફૂંકાયેલા પવન અને સ્ટોર્મ સીઆરાના પગલે માત્ર 24 કલાકમાં દોઢ માસનો વરસાદ પડી ગયો હતો. વિલિંગ્ટન ડર્બીશાયરમાં એક ઘરની છત પર ઝાડ તૂટી પડ્યા બાદ “આખું ઘર હચમચી ગયું હતુ” તેવું એક દંપતીએ વર્ણવ્યું હતુ.
આ વાવાઝોડા પછી કાતીલ ઠંડી અને ખરાબ હવામાનનો સામનો કરવાનો આવે તેવી શક્યતા છે. યુકેના ઉત્તરીય ભાગોમાં અને સ્કોટલેન્ડમાં બરફ પડવી શક્યતા છે અને ત્યાંથી ઠંડા પવનો ફૂંકાય તો સમગ્ર યુકેને અસર કરશે અને તાપમાનમાં ઘટાડો થશે એમ જણાઇ રહ્યુ છે. સ્ટોર્મ પછી લેસ્ટરમાં સોમવારે બપોરે સ્નો પડ્યો હતો. મેટ ઑફિસે લેસ્ટર શહેર અને કાઉન્ટી માટે સ્નો માટે યલો વોર્નીંગ જારી કરી હતી અને હજૂ ઠંડી રહેશે તેમ જણાવ્યુ હતુ. બરફવર્ષાના કારણે કાર અને જાહેર પરિવહન માટે સમસ્યા ઉભી થઈ હતી.
રાજધાનીને પૂરથી બચાવવા માટે થેમ્સ બેરિયરના દરવાજા સોમવારે બંધ કરાયા હતા. 1982થી કાર્યરત થેમ્સ બેરિયરના દરવાજે ઇતિહાસમાં 187મી વખત બંધ કરાયા હતા. થેમ્સ બેરિયર ગ્રેટર લંડનને અપવાદરૂપે આવતી ઉંચી ભરતી અને પૂરથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. બરફ પડવાના કારણે સૌપ્રથમ વખત એડિનબરા અને ફીફને જોડતો ક્વીન્સફેરી ક્રોસિંગ બ્રિજ સોમવારે રાત્રે બંધ કરાયો હતો અને ઓછામાં ઓછો બુધવાર સુધી બંધ રહેશે એમ પુલ ઓપરેટર એમીએ જણાવ્યું હતું. પુલ સલામતીના ધોરણે બંધ કરવામાં આવે તે પહેલાં આઠ વાહનોને નુકસાન થયું હતું. શીયાળુ હવામાન સમગ્ર સ્કોટલેન્ડમાં પરિવહન નેટવર્ક્સને અસર કરી રહ્યું છે.
ખરાબ હવામાનને કારણે હજારો લોકો વીજળી વિના અટવાઇ ગયા હતા અને વેસ્ટહામ સામેની માન્ચેસ્ટર સિટીની પ્રીમિયર લીગ મેચ સહિત રમતગમતના અન્ય કાર્યક્રમો રદ કરાયા હતા. એરલાઇન્સે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જ્યારે અનેક રેલવે કંપનીઓએ મુસાફરોને મુસાફરી ન કરવા વિનંતી કરી હતી. ફેરી પેસેન્જર્સને પણ વિલંબ અને સેવાઓ રદ થવાની તકલીફો વેઠવી પડી હતી. ભારે પવનને કારણે ડ્રાઇવરોને વધુ કાળજી લેવાની ચેતવણી આપવામાં આવી હતી.
વેલ્સમાં કલાકના 93 માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાના કારણે 675,000 ઘરોમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. વેસ્ટ યોર્કશાયરના માયથોલ્મરોઇડમાં કેલ્ડર નદીના પાણી ફરી વળતાં ઘરોમાં પાણી ભરાયા હતાં. કેન્ટના ચેથામના સાઉથ-ઇસ્ટ રેલ્વે સર્વિસના ટ્રેક પર એક ઝાડ પડતા સેવાઓ ખોરવાઇ હતી. માન્ચેસ્ટર એરપોર્ટ ખાતે પવનની ગતિ કલાકના 86 માઇલની રેકોર્ડ થઈ હતી. કમ્બ્રીઆમાં, ઓનીસ્ટર પાસમાં 24 કલાકમાં 177 મીમી (7 ઇંચ) વરસાદ થયો હતો. ઇનર હેબ્રાઇડ્સ, સ્કોટલેન્ડમાં ભારે વરસાદને કારણે નીથ નદીમાં પૂર આવ્યા હતા.
બ્રિટીશ એરવેઝે હિથ્રો, ગેટવિક અને લંડન સિટીની ફ્લાઇટ્સ રદ કરી હતી, તો વર્જિન એટલાન્ટિકે તેની વેબસાઇટ પર સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કર્યાની જાહેરાત કરી હતી. નેટવર્ક રેલવેએ રવિવારે મુસાફરોને “જો જરૂરી હોય તો જ ટ્રેનમાં મુસાફરી કરવાની ચેતવણી આપી હતી. સેવનઓક્સથી લંડન જતી સાઉથઇસ્ટર્ન ટ્રેન સેવાઓ એક ટ્રેમ્પોલીન ઉડીને ટ્રેક પર પડતા ખોરવાઇ હતી. એમ-વન ઉપર એક ટ્રક પલટી ખાઇ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પર્થમાં પબની છતનો ભાગ ધરાશાયી થતાં ત્રણ લોકોને ઇજા થઈ હતી.રેલવે કંપનીઓ ક્રોસકન્ટ્રી, ગેટવિક એક્સપ્રેસ, ગ્રાન્ડ સેન્ટ્રલ, ગ્રેટ નોર્ધન, હલ ટ્રેન, એલએનઆર, નોર્ધન, સાઉથઇસ્ટર્ન, સધર્ન, થેમ્સલિંક, ટ્રાન્સપેનિન એક્સપ્રેસ અને કેલેડોનિયન સ્લીપરે પોતાની સેવાઓ રવિવારે રદ કરી હતી. આ સિવાય ટ્રેક્સ પર પૂર અને કાટમાળને લીધે ઘણી સેવાઓમાં વિલંબ થયો હતો અથવા તો રદ થઈ હતી. આઈરવેલ નદીના પાળા તૂટતા લેન્કેશાયરના બરીમાં ડઝનેક ઘરો ખાલી કરાવાયા હતા અને તેમને નજીકના લીઝર સેન્ટરમાં લઈ જવાયા હતા. પોલીસ, કોસ્ટગાર્ડ ટીમો, એક હેલિકોપ્ટર અને લાઇફ બોટ દ્વારા હેસ્ટિંગ્સના એક સર્ફરને બચાવી લેવામાં આવ્યો હતો. બ્લેકપૂલમાં ફાયર ફાઇટરે એક મોટરીસ્ટને તેની કાર પૂરના પાણીમાં ફસાઈ જતા બચાવ્યો હતો. બ્લેકપૂલ કાઉન્સિલે ટ્વીટ કર્યું હતું કે કેટલીક સંપત્તિ ખાલી કરવામાં આવી રહી છે. નોર્થ વેસ્ટ લંડનના સ્ટેનમોરમાં તીવ્ર પવનોએ બાંધકામની ક્રેન હલાવી દીધી હતી.