અમેરિકામાં વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળા (ઑક્ટોબરથી ડિસેમ્બર)ના પરિણામો જાહેર થયા છે. ટેકનોલોજી જાયન્ટ એપલની ત્રિમાસિક કુલ આવક ૯૧.૮ બિલિયન ડૉલર (૬૫૪૬ બિલિયન રૂપિયા) નોંધાઈ છે. જ્યારે આ ત્રણ માસ દરમિયાન એપલનો ચોખ્ખો નફો ૨૨.૨ બિલિયન ડૉલર (૧૫૮૩ બિલિયન રૂપિયા) થયો છે. એ રીતે આવકમાં ૯ ટકા, જ્યારે નફામાં ૧૧ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
પરિણામો પછી અમેરિકી શેર માર્કેટમાં એપલના શેરનો ભાવ ૪.૧૮ ડૉલરથી વધીને ૪.૯૯ ડૉલરે પહોંચ્યો હતો. એપલના ઇતિહાસનો આર્થિક રીતે આ સૌથી સફળ ત્રિમાસિક ગાળો છે. કંપની પાસે કેશ ઓન હેન્ડ રકમ વધીને ૨૦૭.૦૬ બિલિયન ડૉલર થઈ હતી.
રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ રકમ ૧૪,૭૬,૪૬૨ (પોણા પંદર લાખ) કરોડ થાય છે. અનેક દેશોના બજેટ કરતાં આ રકમ વધી જાય છે. જોકે આ પહેલાના ત્રિમાસિક ગાળામાં કંપની પાસે કેશ ઓન હેન્ડ રમક ૨૪૫ બિલિયન ડૉલર હતી. સૌથી વધુ કેશ ધરાવતી અમેરિકન કંપની તરીકેનો વિક્રમ એપલે જાળવી રાખ્યો છે.
એપલે પોતાની વેબસાઈટ પર મુકેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતુ કે આવક-નફામાં વૃદ્ધિનું કારણ આઈફોનની જંગી ડિમાન્ડ છે. ખાસ કરીને આઈફોન ૧૧ અને એ સિરિઝના વિવિધ મોડેલની દુનિયાભરમાં મોટી ડિમાન્ડ રહી છે. એટલે કુલ ૯૧.૮ બિલિયન ડૉલરની આવકમાંથી ૫૬ બિલિયન ડૉલરની આવક એકલા આઈફોનના વેચાણથી થઈ છે.
એપલના સીઈઓ ટીમ કૂકે આ સફળતા પછી શેરધારકો તથા એપલના ગ્રાહકોનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં એપલની આગેકૂચ ચાલુ રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હવે બીજા ક્વાટરમાં આવક ૬૩ બિલિયન ડૉલરને પાર કરે એવો એપલનો આશાવાદ છે.
ભારતમાં વેચાણ વધ્યુ
એપલની આવકમાં ભારતનો પણ મોટો ફાળો છે. એપલની પ્રોડક્ટ મોંઘી અને પ્રિમિયમ ગણાતી હોવાથી એ વાપરનારો વર્ગ મર્યાદિત છે. પરંતુ ૨૦૧૯માં એપલની પ્રોડક્ટ વાપરનારો વર્ગ વધી ગયો છે. એટલે ભારતમાં એપલનું માર્કેટ ૨ ટકા હતું જેમાં ખાસ્સો વધારો થયો છે. એપલે હવે તેનું એક ઉત્પાદન એકમ ભારતમાં જ સ્થાપી
દીધું છે.