ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાવાયરસને નાથવા માટે ઓસ્ટ્રેલિયામાં ભારત વંશીય વૈજ્ઞાનિક એસ એસ વાસનની આગેવાની હેઠળની સંશોધકોની એક ટીમે લેબોરેટરીમાં રસી વિકસાવી છે. આ વાયરસને કારણે ચીનમાં 600થી વધુ લોકોના મોત થયા છે અને અંદાજે 30 હજાર લોકોને તેની અસર થઇ છે. આ વાયરસની અસર બે ડઝન બીજા દેશોમાં પણ 240 લોકોને પણ થઇ છે.
ઓસ્ટ્રેલિયાની અગ્રણી સાયન્ટિફિક એજન્સી-કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (CSIRO)ની ઉચ્ચ કક્ષાની સુરક્ષિત લેબમાં વાસન અને તેમની ટીમે વાયરસનો પ્રથમ જથ્થો વિકસાવ્યો હતો. વાસનની ટીમને મેલબોર્નની ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટમાં સફળતા મળી હતી, જ્યાં વૈજ્ઞાનિકોએ લેબમાં કોરોનાવાયરસના નમૂના વિકસાવ્યા હતા.
સંશોધકોએ આ ઇન્સ્ટિટ્યૂટમાં માનવીય નમૂનાઓમાંથી વાયરસ અલગ તારવ્યા હતા. CSIRO ખાતે વધુ મહત્ત્વના ઉચ્ચકક્ષાના પ્રીક્લિનિકલ પ્રયોગો હાથ ધરવામાં આવે છે. આ સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારી સુરક્ષિત ઓસ્ટ્રેલિયન એનિમલ હેલ્થ લેબોરેટરી (AAHL) ઉચ્ચ નિયંત્રણની સુવિધાયુક્ત અમારા સંશોધન વર્તમાન વાયરસની લાક્ષણિકતાઓ નિશ્ચિત કરવામાં મદદ કરશે, જે નવી રસી વિકસાવવા માટેનું એક મહત્ત્વનું પગલું છે.
એસ એસ વાસન યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના રોહ્ડઝ સ્કોલર છે અને તેમણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, પિલાની અને બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે અભ્યાસ કર્યો છે. વાસને અગાઉ ડેંગ્યુ, ઝિકા અને ચિકનગુનિયા ઉપર પણ સંશોધન કર્યું છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ CSIROના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની રસીના માનવીય પરીક્ષણ માટે 16 અઠવાડિયાનો સમય નિર્ધારીત કર્યો છે, કોઇપણ રસીનો પ્રથમ પ્રયોગ ફેરીટ (ધ્રુવ પ્રદેશની, પાળી શકાય તેવી બિલાડીની એક જાત ) ઉપર થાય છે.