દક્ષિણ ભારતના ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા વિજય સહિતના ફિલ્મ કલાકારોના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડયા હતાં. આ દરોડાને કારણે દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભૂકંપ આવી ગયો છે. આ દરોડા દરમિયાન 300 કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડાઇ છે. અભિનેતા વિજયને ફિલ્મ બિજિલને કારણે અઢળક કમાણી થઇ હોવાથી આવકવેરા વિભાગ તેમના પર નજર રાખી રહ્યું હતું.
એક ફિલ્મ પ્રોડ્કશન હાઉસ અને તેમના નિવાસસૃથાન સહિત અનેક સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે તમિલનાડુના અલગ અલગ વિસ્તારોમાં કુલ 38 સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન 300 કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડાઇ છે.આ ઉપરાંત આ સંકુલોમાંથી 77 કરોડ રૂપિયાની બેનામી રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
વિજય અભિનિત બિજિલ ફિલ્મ સફળ રહ્યાં પછી ટેક્સ ચોરી થઇ હોવાની બાતમી મળ્યા પછી આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગને શંકા છે કે અભિનેતા વિજયે આ ફિલ્મ માટે મોટી રકમ રોકડમાં લીધી હતી. આવકવેરા વિભાગે એક્ટરના ઘર ઉપરાંત એજીએસ સિનેમાના અનેક સૃથળો પર દરોડા પાડયા હતાં. ઉલ્લેખનીય છે કે ફિલ્મ બિજિલમાં વિજયે ફુટબોલ કોચની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં એ આર રહેમાનેે સંગીત આપ્યું છે.