ભારતની અન્ડર-૧૯ ક્રિકેટ ટીમે અહીં મંગળવારે કટ્ટર હરીફ પાકિસ્તાનની અન્ડર-૧૯ ટીમને વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ચીંથરેહાલ કરી નાખી હતી. પ્રિયમ ગર્ગની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે પાકને ૧૦ વિકેટના વિશ્ર્વવિક્રમી માર્જિનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. યુવા વર્લ્ડ કપમાં ચાર વાર ચૅમ્પિયન બનેલું ભારત સાતમી વાર નિર્ણાયક મૅચમાં પહોંચવામાં સફળ થયું છે.
લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જૈસવાલ (૧૦૫ અણનમ, ૧૧૩ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. ભારતને છેલ્લે જીતવા જ્યારે ત્રણ રનની જરૂર હતી અને યશસ્વીએ સેન્ચુરી પૂરી કરવા ફક્ત એક રન બનાવવાનો બાકી હતો ત્યારે તેણે પાકના લેફ્ટ-આર્મ સ્પિનરના બૉલમાં સિક્સર ફટકારીને ભારતને જીત હાંસલ કરી આપીને ફાઇનલમાં પ્રવેશ કરાવી આપ્યો હતો અને પોતાની શાનદાર સદી પણ પૂરી કરી હતી.
૨૦૧૮ના ગયા યુવા વર્લ્ડ કપમાં ભારત વિજેતા થયું હોવાથી આ વખતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમી રહ્યું છે અને લીગ રાઉન્ડથી માંડીને મંગળવાર સુધીમાં પાંચેય મૅચ જીત્યું છે. પાક સામે ભારત જીતવા ફેવરિટ તો હતું, પરંતુ પાક ટીમની આટલી મોટી નાલેશી થશે એની કોઈએ ધારણા નહીં રાખી હોય. પહેલાં ભારતના બોલરોએ અને પછી બે ઓપનિંગ બૅટ્સમેનોએ પાક ટીમને જમીનદોસ્ત કરી નાખી હતી.
પાકિસ્તાનનું નાક કાપવામાં યશસ્વી ઉપરાંત તેના ઓપનિંગ જોડીદાર દિવ્યાંશ સક્સેના (૫૯ અણનમ, ૯૯ બૉલ, છ ફોર)નો પણ એટલો જ ફાળો હતો. બન્ને વચ્ચેની ૧૭૬ રનની અતૂટ ઓપનિંગ ભાગીદારી યુવા વર્લ્ડ કપના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને મુંબઈમાં રહેતા યશસ્વીએ ૧૮ વર્ષની નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ મેળવી છે. તેને આઇપીએલની રાજસ્થાન રૉયલ્સ ટીમે તાજેતરમાં ૨.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, હવે તેણે ભારતને યાદગાર સેન્ચુરીની મદદથી ફાઇનલમાં પહોંચાડીને વિરાટસેનાની મુખ્ય ભારતીય ટીમના સિલેક્ટરોને વિચારતા કરી દીધા હશે.
મંગળવારે પાકિસ્તાનના વિકેટકીપર-કૅપ્ટન રોહેલ નઝીરે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને તેની ટીમ માત્ર ૧૭૨ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં સુકાની નઝીરના ૬૨ રન હતા. ભારતીય ટીમ વતી લેફ્ટ-હૅન્ડ ફાસ્ટ બોલર સુશાંત મિશ્રાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ભારતીય ટીમે જવાબમાં ૩૫.૨ ઓવરમાં (૮૮ બૉલ બાકી રાખીને) એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૭૬ રન બનાવીને ૯ ફેબ્રુઆરીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં એનો મુકાબલો બીજી સેમી ફાઇનલની ટીમો ન્યૂ ઝીલૅન્ડ અથવા બંગલાદેશ સાથે થશે.Under19worldcup india in final