સંસદીય વોચ ડોગ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ કૉમન્સમાંથી છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલા લેસ્ટર ઇસ્ટના 32 વર્ષ સુધી સાંસદ રહેલા ભૂતપૂર્વ લેબર સાંસદ કીથ વાઝને લેસ્ટરના બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે યોજાયેલી બેઠકમાં લેસ્ટર ઇસ્ટ મત વિસ્તારના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે.એશિયન મૂળના લોકોમાં સૌથી વધુ સમય સુધી સાંસદ રહેવાનુ ગૌરવ મેળવનાર અને પુરૂષ વેશ્યાઓ માટે કોકેન ખરીદવાની “ઇચ્છા વ્યક્ત કરી” હોવાના આક્ષેપોને કારણે સસ્પેન્ડ કરવામાં આવેલા કિથ વાઝને તા 14ને મંગળવારે લેસ્ટર ઇસ્ટ મતદાર મંડળ (સીએલપી)ના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
આ બેઠકમાં પક્ષના 150થી વધુ સભ્યો હાજર રહ્યા હતા અને કીથ વાઝને હાથ ઉંચો કરી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. લેસ્ટરના વર્તમાન સાંસદ ક્લૌડિયા વેબ્બ બેઠકમાં હાજર રહ્યા ન હતા અને સમજવામાં આવે છે કે મીટિંગના ટૂંક સમય પહેલાં સુધી તેમને આ વિશે માહિતી ન હતી. સામાન્ય રીતે લેસ્ટરમાં સીએલપી બેઠક પરંપરાગત રીતે ગુરુવાર અથવા શુક્રવારે સાંજે રાખવામાં આવે છે જેથી વેસ્ટમિંસ્ટરમાં બેઠકોમાં હાજરી આપનાર સાંસદો પોતાના મતક્ષેત્રો પર પાછા ફરે ત્યારે તેમાં હાજરી આપી શકે છે. સાંસદની ગેરહાજરીમાં આવી મીટીંગ કરવી અસામાન્ય છે.
એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે આ મીટીંગ જ્યા યોજાઇ હતી તે બેલગ્રેવ નેબરહુડ સેન્ટરની બહાર હુમલો થયો હતો જેને પગલે નારાજગી વ્યાપી ગઇ હતી.
એક લેબર કાર્યકર્તા મહિલાએ દાવો કર્યો હતો કે તે મીટિંગમાં પ્રવેશવા માટે પ્રયાસ કરતી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેને જમણા હાથના કાંડા પર ઇજા થઈ હતી. તેણી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન અને સારવાર માટે વૉક-ઇન સેન્ટરની મુલાકાતે ગઇ હતી. લેસ્ટરશાયર પોલીસે આક્ષેપની તપાસ કરી રહી છે તેમ જણાવ્યુ હતુ. લેસ્ટર ઇસ્ટ મતક્ષેત્રના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાઝના સાથી જ્હોન થોમસે જણાવ્યું હતું કે સ્થાનિક પક્ષ કામ કરવામાં નિષ્ફળ રહ્યો હોવાથી વાઝ ઉભા રહ્યા હતા.
“સ્થાનિક સ્તરે પક્ષમાં સંપૂર્ણ અરાજકતા છે જેથી કેટલાક લોકોએ કીથની સામેલ થવા માંગ કરી હતી. નવા સાંસદ ક્લૌડિયા વેબ્બ ડાબેરી હોવાના અને કોર્બીન સમર્થક હોવાથી કેટલાક સભ્યોમાં નારાજગી હતી. જ્યારે લેસ્ટર ઇસ્ટ જમણેરી વિસ્તાર છે અને કીથ અહીંના લોકોને જાણે છે. ” લેબર નેતા જેરેમી કોર્બીનની ટીકા કરી તેમને “ક્લાઉન” કહેનાર સીએલપીના અગાઉના અધ્યક્ષ જોન થોમસે નવેમ્બરમાં રાજીનામું આપી દીધુ હતુ અને કોર્બીને લેબરને મજાકનુ સાધન બનાવી દીધુ હોવાનો આક્ષેપ કર્યો હતો.
નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરના કન્ઝર્વેટિવ સાંસદ એન્ડ્રુ બ્રિજેને આ વરણીને “અત્યંત નિરાશાજનક” ગણાવી જણાવ્યુ હતુ કે ‘ઘણા લાંબા સમયથી સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણ પર કીથ વાઝનો દૂષિત પ્રભાવ રહ્યો છે. લેબર પાર્ટીને લાગે છે કે તેઓ લેસ્ટર ઇસ્ટના અધ્યક્ષ પદ માટે યોગ્ય વ્યક્તિ છે તે ખૂબ જ નિરાશાજનક છે.
કીથ વાઝના સમર્થકોએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે પક્ષમાં અરાજકતા ફેલાતા તેમણે ફરીથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અન્ય સ્થાનિક પક્ષના સભ્યોએ કહ્યું હતું કે તેમની ચૂંટણીને રદબાતલ જાહેર કરવી જોઇએ. વાઝે વ્યક્તિગત રીતે પાર્ટીના કોઈપણ નિયમો તોડ્યા હોવાની માહિતી મળી નથી.ડિસેમ્બરમાં યોજાયેલ ચૂંટણીમાં વેબ્બને ખૂબ ઓછી બહુમતી મળી હતી અને વાઝે પણ સ્પષ્ટપણે તેની સાથે પ્રચાર અભિયાન ચલાવ્યું ન હતું.