કાશ્મીર, લદાખ અને હિમાચલ પ્રદેશ જેવા પ્રવાસન સ્થળોમાં રવિવારે, 19 જાન્યુઆરીએ ઉષ્ણતામાન વધુ નીચું જતાં હાડ થીજાવી દેતી ઠંડીએ સમગ્ર ઉત્તર ભારતને ભરડામાં લીધું હતું. રાજધાની દિલ્હીમાં રવિવારે લઘુતમ ઉષ્ણતામાન ૭.૦ ડિગ્રી તો ગુરુતમ ઉષ્ણતામાન ૧૬.૭ ડિગ્રી રહ્યું હતું.
કાશ્મીર ખીણ પ્રદેશ અને લદાખમાં ઉષ્ણતામાન શૂન્યથી પણ નીચું રહ્યું હતું અને રસ્તાઓ પર ઠેર ઠેર બરફ છવાઈ જતાં લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. શ્રીનગરમાં ઉષ્ણતામાન માઈનસ ૨.૮ ડિગ્રી તો લદાખના લેહમાં માઈનસ ૧૬.૩ ડિગ્રી રહ્યું હતું. હિમાચલ પ્રદેશમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું અને ઉષ્ણતામાન શૂન્યથી નીચું રહ્યું હતું. કુફરીમાં ઉષ્ણતામાન માઈનસ ૪.૬ ડિગ્રી, મનાલીમાં માઈનસ ૪.૪ ડિગ્રી, ડેલહાઉઝીમાં માઈનસ ૨.૪ ડિગ્રી અને સિમલામાં માઈનસ ૦.૬ ડિગ્રી ઉષ્ણતામાન રહ્યું હતું. માઈનસ ૧૪.૬ ડિગ્રી ઉષ્ણતામાન સાથે કેલોન્ગ રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો.
ખાદરાલા અને કોઠીમાં રવિવારે ૫.૦ સેમી. હિમવર્ષા નોંધાઈ હતી તો બિજાહીમાં ૩.૦ સેમી., છતરારીમાં ૨.૦ સેમી. અને થેઓગ તેમ જ સારાહન પ્રત્યેકમાં ૧.૦ સેમી. હિમવર્ષા નોંધાઈ હતી. પંજાબ અને હરિયાણામાં પણ ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું હતું. ૩.૮ ડિગ્રી ઉષ્ણતામાન સાથે આદમપુર પંજાબનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો. લુધિયાણામાં (૬.૭ ડિગ્રી), પટિયાલા (૭.૬ ડિગ્રી), હલવારા (૭.૦ ડિગ્રી), ભટિંડા ( ૫.૩ ડિગ્રી), ફરીદકોટ (૪.૦ ડિગ્રી), ગુરદાસપુર (૮.૦ ડિગ્રી) ઉષ્ણતામાન રહ્યું હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતું.
હરિયાણાના હિસ્સારમાં (૫.૩ ડિગ્રી), અંબાલા (૬.૨ ડિગ્રી), કર્નાલ (૬.૦ ડિગ્રી), નારનુલ (૫.૫ ડિગ્રી), રોહતક (૬.૨ ડિગ્રી), ભિવાની (૬.૧ ડિગ્રી) તો સિરસામાં ૫.૨ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું. ચંડીગઢમાં ૬.૬ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. ૨.૫ ડિગ્રી ઉષ્ણતામાન સાથે સિકાર રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો તો ૪.૪ ડિગ્રી ઉષ્ણતામાન સાથે ચુરુ ત્યાર પછીના ક્રમે રહ્યું હતું.
પિલાની, ંગગાનગર, બિકાનેર અને જેસલમેરમાં અનુક્રમે ૪.૫, ૫.૦, ૬.૩, ૭.૩ અને ૭.૫ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડીનું મોજું જોવા મળ્યું હતું. લખનઊમાં ૧૧.૭ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું તો ૬.૧ ડિગ્રી સાથે મુઝફ્ફરનગર રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર બન્યો હતો. મેરુત અને ઈટાવાહ બંને જગ્યાએ ૬.૮ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ફરી વળેલી કાતિલ ઠંડીનું મોજું સતત ચોથા દિવસે યથાવત્ રહ્યું છે. નલિયા સૌથી વધુ 4.6 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું હતું જ્યારે કુલ પાંચ શહેરમાં સરેરાશ લઘુતમ ઉષ્ણતામાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં શનિવારે રાત્રે ઠંડીમાં વધારે ફેરફાર નોંધાયો નહોતો. સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં સાધારણ ઓછું જ્યારે કચ્છમાં સામાન્ય કરતાં સામાન્ય કરતાં નોંધપાત્ર ઓછું સરેરાશ લઘુતમ ઉષ્ણતામાન રહ્યું હતું.
આ સિવાય રાજ્યમાં અન્યત્ર ઠંડીનો પારો સાધારણ રહ્યો હતો. ગુજરાતમાં આગામી 24 કલાક સુધી ઠંડીમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછીના 48 કલાકમાં સરેરાશ લઘુતમ ઉષ્ણતામાન 2-3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. જોકે, ત્યારબાદ એટલે કે 22-23 જાન્યુઆરીના સરેરાશ લઘુતમ ઉષ્ણતામાન 3-4 ડિગ્રી સુધી ઘટતાં કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે. ‘
આમ, ઠંડીમાંથી હજુ બે દિવસ માત્ર આંશિક રાહત જ મળશે. નલિયામાં સતત ચોથા દિવસે 6 ડિગ્રીથી નીચું ઉષ્ણતામાન નોંધાયું હતું. આગામી 3 દિવસ નલિયામાં 6 ડિગ્રીની આસપાસ પારો રહેશે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસની સરખામણીએ ઠંડીમાં આંશિક ઘટાડો થતાં 12.1 ડિગ્રી સરેરાશ લઘુતમ ઉષ્ણતામાન નોંધાયું હતું. જોકે, રવિવારે મોડી સાંજે સૂકા અને ઠંડા પવન ફૂંકાતા કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. આગામી મંગળવાર સુધી અમદાવાદમાં 14 ડિગ્રી સુધી પારો જતાં ઠંડીમાં સાધારણ ઘટાડો અનુભવાઇ શકે છે. જોકે, ગુરૂવારથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે અને પારો 11 ડિગ્રી સુધી ગગડી શકે છે.