આંધ્રપ્રદેશમાં 3 રાજધાની વિશાખાપટ્ટનમ, કુર્નૂલ અને અમરાવતી બનાવવા અંગેનો પ્રસ્તાવ પસાર થતી વખતે સોમવારે વિધાનસભામાં હોબાળો થયો હતો. સ્પીકરે તેલુગુ દેશમ પાર્ટી(TDP)ના 17 ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
આ નિર્ણય વિરુદ્ધ TDP અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અને તેમના સસ્પેન્ડેડ ધારાસભ્ય રાતે લગભગ 11 વાગ્યે વિધાનસભાની બહાર ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ તેમણે પગપાળા યાત્રા કરવાનો પ્રયાસ કર્યો તો પોલીસે ધરપકડ કરી લીધી અને મંગલાગિરી પોલીસસ્ટેશન લઈ ગયા,ત્યારબાદ તેમને છોડી મુકાયા હતા. TDP જગનમોહન રેડ્ડી સરકારના પ્રસ્તાવનો વિરોધ કરી રહી છે.
અમરાવતીમાં ખેડૂતોએ પણ બિલ પાસ કરાવવાના વિરોધમાં રેલી કાઢી હતી. ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું કે, દુનિયામાં કોઈ એવી જગ્યા નથી, જ્યાં 3 રાજધાની હોય અમે અમરાવતી અને આંધ્રપ્રદેશને બચાવવા માંગીએ છીએ. હું આ લડાઈમાં એકલો નથી, આખા રાજ્યના લોકો આના વિરોધમાં લડાઈ લડી રહ્યા છે અને રસ્તા પર ઉતરી રહ્યા છે. સરકાર તેમની ધરપકડ કરી રહી છે, જે લોકતંત્ર માટે યોગ્ય નથી.