ભારતે શુક્રવારે રાજકોટ ખાતે ઑસ્ટ્રેલિયાને બીજી વન-ડેમાં ૩૬ રનથી હરાવીને શ્રેણી ૧-૧થી લેવલ કરી લીધી હતી. ઑસ્ટ્રેલિયા ૩૪૧ રનના લક્ષ્યાંક સામે છેલ્લી ઓવરમાં ૩૦૪ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. કે. એલ. રાહુલ (૮૦ રન તેમ જ એક સ્ટમ્પિંગ, બે કૅચ)ને સુંદર પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
મોહંમદ શમીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, પણ કુલદીપ યાદવે એક ઓવરમાં બે વિકેટના તરખાટથી ભારતની જીત આસાન બનાવી હતી. કુલદીપે એ ઓવરમાં ઍલેક્સ કૅરીને તેના ૧૮ રને આઉટ કર્યા બાદ સ્ટીવ સ્મિથ (૯૮ રન, ૧૦૨ બૉલ, એક સિક્સર, નવ ફોર)ને ક્લીન બોલ્ડ કર્યો એ સાથે કાંગારુંઓની હાર નિશ્ર્ચિત થઈ ગઈ હતી.
વાનખેડેની ગઈ મૅચનો હીરો ડેવિડ વૉર્નરને શમીએ તેના ૧૫ રનના સ્કોર પર મનીષ પાન્ડેના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. પાન્ડેએ તેનો ઊંચી છલાંગ લગાવીને કૅચ પકડી લીધો હતો. કૅપ્ટન ઍરોન ફિન્ચને ૩૩ રને કાર્યવાહક વિકેટકીપર રાહુલે ધોની જેવી ચપળતાથી સ્ટમ્પ-આઉટ કરી દીધો હતો. સ્ટીવ સ્મિથ ૯૮ રનના તેના સ્કોર પર કુલદીપ યાદવના બૉલમાં ક્લીન બોલ્ડ થતાં તે નવમી સદી ચૂકી ગયો હતો. લાબુશેન ૪૬ રન બનાવી શક્યો હતો. ભારત વતી શમીની ત્રણ વિકેટ ઉપરાંત, સૈની તેમ જ કુલદીપ અને જાડેજાએ બે-બે અને બુમરાહે એક વિકેટ લીધી હતી.
દરમિયાન, એ પહેલાં ભારતે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૪૦ રન બનાવ્યા એમાં શિખર ધવનના ૯૬ રન હતા. તે કેન રિચર્ડસનના બૉલમાં મિચલ સ્ટાર્કના હાથમાં કૅચઆઉટ થતાં ૪ રન માટે ૧૮મી વન-ડે સેન્ચુરી ચૂકી ગયો હતો. ધવન માટે આ ૯૬ રન પણ ઘણા મહત્ત્વના હતા. રોહિતે ૪૨, કોહલીએ ૭૮ અને રાહુલે ૮૦ રન બનાવ્યા હતા. જાડેજા ૨૦ રને અણનમ રહ્યો હતો. હવે નિર્ણાયક વન-ડે આવતી કાલે બેંગલુરુમાં રમાશે.