અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એવામાં ઈરાની સેનાએ ઈરાકમાં આવેલા અમેરિકી સેનાના બે એરબેઝ પર હુમલો કર્યો છે. મિસાઈલ હુમલા બાદ પરિસ્થિતિ અત્યંત તણાવગ્રસ્ત થઈ ગઈ છે. ઈરાને અમેરિકી સેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા બે એરબેઝ પર લગભગ ડઝનબંધ મિસાઈલ્સ છોડી છે. આ હુમલાની પુષ્ટી પેંટાગોને ટ્વીટ કરીને કરી છે.
પેંટાગોન તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે ‘7 જાન્યુઆરીના રોજ ઈરાને ઈરાકમાં અમેરિકી સેના અને ગઠબંધન સેનાના એરબેઝ પર એક ડઝનથી પણ વધારે બેલેસ્ટિક મિસાઈલ્સ દ્વારા હુમલો કર્યો છે. એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે આ હુમલો ઈરાન દ્વારા જ કરવામાં આવ્યો છે. ઈરાને અલ-અસદ અને ઈરબિલમાં અમેરિકી સેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા એરબેઝને નિશાન બનાવ્યું છે.’
આ હુમલામાં હજી સુધી કોઈ જાન-હાની થઈ હોવાની માહિતી નથી મળી. નોંધનીય છે કે સુલેમાનીની મોત બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ તણાવગ્રસ્ત થઈ ગઈ છે અને ઈરાનમાં અમેરિકા સાથે બદલો લેવાની માગે જબરજસ્ત જોર પકડ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ મંગળવારના રોજ કહ્યું હતું કે ઈરાનના ચીફ જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરીને અમેરિકાએ ખૂબ જ યોગ્ય પગલું ભર્યું છે. તેમણે ટ્રમ્પના આ નિર્ણયને સંપૂર્ણ રીતે કાયદાકીય ગણાવ્યો હતો.