ન્યૂયોર્કમાં ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્રો (યુએન) ની સલામતી સમિતિની બેઠકમાં હાજરી આપવાના હેતુસર અમેરિકા આવવા ઈચ્છતા ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જાવદ ઝરિફને અમેરિકાએ વીસા આપવા ઈનકાર કર્યો હતો. એક અમેરિકન અધિકારીએ જ આ વાત જણાવી હતી.
પોતાનું નામ જાહેર નહીં કરવા ઈચ્છતા અધિકારીએ આ પગલાં વિષે એવા સમયે માહિતી આપી છે કે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ઈરાનના એક ટોચના લશ્કરી અધિકારીને અમેરિકી ડ્રોન હુમલામાં ફૂંકી મરાયા પછી બન્ને દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થયો છે.
1947ના યુએન હેડક્વાર્ટર્સ કરાર હેઠળ અમેરિકા સામાન્ય સંજોગોમાં તમામ વિદેશી રાજદૂતોને માટે યુએનની અવરજવર સુગમ બનાવશે, અવરોધો ઉભા કરશે નહીં. જો કે, અમેરિકાનો દાવો એવો છે કે, તે સલામતી, ત્રાસવાદ તથા વિદેશ નીતિના કારણોસર કોઈપણને વીઝા નકારી શકે છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે કે યુએને આ બાબતે કોઈ ટીપ્પણી કરવા ઈનકાર કર્યો છે, તો ઈરાનના યુએન ખાતેના દુતાવાસે એવું જણાવ્યું હતું કે, તેઓએ મીડિયા રીપોર્ટ્સ જોયા છે, પણ યુએન કે અમેરિકા, કોઈપણ તરફથી સત્તાવાર રીતે તેમને કોઈ જાણ કરાઈ નથી. સલામતી સમિતિની બેઠકમાં ઈરાનના વિદેશ પ્રધાનને હાજરી આપવા દેવા અમેરિકા ઈચ્છતું નથી કારણ કે એનાથી એક મોટા આંતરરાષ્ટ્રીય મંચ ઉપર અમેરિકાની ઝાટકણી કાઢવાની તક ઈરાનને મળતી.