કેનેડામાં ટ્રમ્પ અને ટેરિફના મુદ્દા પર લડાયેલી ફેડરલ ચૂંટણીમાં વડાપ્રધાન માર્ક કાર્નીની સત્તાધારી લિબરલ્સ પાર્ટીએ સત્તામાં વાપસી કરી હતી, પરંતુ સ્પષ્ટ બહુમતી મળી નથી. વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઇલીવરે હાર સ્વીકારી હતી. કેનેડાની આ ચૂંટણીમાં ટ્રમ્પ અને ટેરિફ પરિબળ નિર્ણાયક બન્યું હતું અને રાજકીય સમીકરણો બદલી નાંખ્યાં હતાં.
લિબરલ પાર્ટીના ઉમેદવારોનો 167 ઇલેક્ટ્રોરલ ડિસ્ટ્રિક્ટ (બેઠકો)માં વિજય થયો હતો, જ્યારે કન્ઝર્વેટિવ્સ 145 બેઠકો પર વિજયી બની હતી. લિબરલ્સને કુલ 343 સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી માટે 172 બેઠકો જરૂરી છે.
ઓટ્ટાવામાં વિજયી ભાષણમાં કાર્નીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેના અમારા જૂના સંબંધો પૂરા થયા છે. અમેરિકાએ ખુલ્લા વૈશ્વિક વેપારની સિસ્ટમ ચાલુ કરી હતી. કેનેડાએ બીજા વિશ્વયુદ્ધ પછીથી આ સિસ્ટમ પર આધાર રાખ્યો હતો.
આ સિસ્ટમ સંપૂર્ણ નથી, પરંતુ તેનાથી દાયકાઓ સુધી આપણા દેશમાં સમૃદ્ધિ આવી હતી. જોકે આ સિસ્ટમ હવે સમાપ્ત થઈ છે. આ દુઃખદ બાબત છે, પરંતુ તે આપણી નવી વાસ્તવિકતા છે. અમેરિકા આપણી જમીન, આપણા સંસાધનો, આપણું પાણી, આપણો દેશ ઇચ્છે છે. આ ઠાલી ધમકીઓ નથી. પ્રેસિડન્ટ ટ્રમ્પ આપણને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી અમેરિકા આપણને પોતાના માલિક બનાવી શકે. એવું ક્યારેય બનશે નહીં.
કેનેડાની જનતાને કાર્નીએ સાવચેત કરી હતી, કે આગામી મહિનાઓ પડકારજનક હશે અને તેમાં બલિદાનની જરૂર પડશે. કાર્નીએ ટેરિફ અંગે વોશિંગ્ટન સાથે સખત અભિગમનો પણ સંકેત આપ્યો હતો.
ચૂંટણીનું આ રિઝલ્ટ કાર્નીના નેતૃત્વ હેઠળ લિબરલ્સ માટે મજબૂત પુનરાગમન ગણવામાં આવે છે કારણ કે જાન્યુઆરીમાં ટ્રુડોએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી ત્યારે પાર્ટીનો પરાજય નિશ્ચિત માનવામાં આવતો હતો. જોકે અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિથી રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતાં. ટ્રમ્પની વિવિધ ધમકીઓને કારણે કેનેડામાં દેશભક્તિની લહેર ફેલાવી હતી અને કાર્નીના ટેકેદારોમાં મોટો વધારો થયો હતો. આ ચૂંટણીમાં ટ્રમ્પ ફેક્ટર નિર્ણાયક બન્યું હતું, કારણ કે ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા આર્થિક તાકાતનો ઉપયોગ કરીને ધમકી આપી હતી. ટ્રમ્પને સોમવારે ચૂંટણીના દિવસે પણ 51માં રાજ્યની ધમકી આપતાં કાર્નીનો રસ્તો વધુ સરળ બન્યો હતો.
અમેરિકા સાથેના તણાવને કારણે બે નાના પક્ષો ડાબેરી ઝુકાવ ધરાવતી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી અને અલગતાવાદી બ્લોક ક્વિબેકોઇસના સમર્થકો લિબરલ્સ તરફ વળ્યાં હતાં. NDP નેતા જગમીત સિંહે પોતાના ગઢમાં હાર્યા હતા.
