રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને માનવતાવાદના ધોરણે 8થી 10 મે દરમિયાન યુક્રેનમાં ત્રણ દિવસના યુદ્ધવિરામની સોમવારે જાહેરાત કરી હતી. આ અંગેની જાહેરાત કરતાં ક્રેમલિને જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધવિરામનું પાલન કરશે તેવી અપેક્ષા છે, પરંતુ જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન થશે તો તેઓ વળતો જવાબ આપશે.
રશિયાએ બીજા વિશ્વયુદ્ધની અંત નિમિત્તે 9મેએ વિક્ટરી ડેની ઉજવણી કરતું હોય છે. નાગરિક વિસ્તારોમાં રશિયાના બોંબમારાથી ખૂબ જ નિરાશા થઈ છે અને રશિયા સાથે અલગ રીતે વ્યવહાર કરવો પડશે તેવા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી રશિયાએ આ જાહેરાત કરી હતી. અગાઉ એપ્રિલ 2025માં પુતિને 30 કલાકના ઇસ્ટર યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.
અગાઉ યુક્રેન પર તાજેતરના હવાઈ હુમલાઓ પછી રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પ્રત્યે રોષ વ્યક્ત કરીને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કો સામે અલગ રીતે વ્યવહાર કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે બેન્કિંગ અને બીજા પ્રતિબંધોનો ઉપયોગ કરવાની પણ ચીમકી આપી હતી.
કીવ પર તાજેતરના હવાઇ હુમલાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દિવસોમાં પુતિને નાગરિક વિસ્તારો, ગામો અને શહેરોમાં મિસાઇલો છોડ્યા છે. મને લાગે છે કે કદાચ તેઓ યુદ્ધ રોકવા માંગતા નથી, તેઓ ફક્ત મને મારી સાથે યુદ્ધવિરામનો ડોળ કરી રહ્યાં છે. તેમની સાથે બેન્કિંગ અને સેકન્ડરી પ્રતિબંધો દ્વારા અલગ રીતે વ્યવહાર કરવો પડશે. ઘણા બધા લોકો મરી રહ્યા છે.
શનિવારે વેટિકનમાં પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર પહેલા યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાતના થોડા સમય પછી ટ્રમ્પે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મૂકી હતી. ઝેલેન્સ્કી-ટ્રમ્પની મુલાકાતને વ્હાઇટ હાઉસે ખૂબ ફળદ્વુપ ગણાવી હતી.
