પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ત્રાસવાદી હુમલાની તપાસમાં રશિયા, ચીન અને અન્ય પશ્ચિમી દેશો સામેલ થવું જોઇએ, જેથી ભારત સાચુ બોલી રહ્યું છે કે નહીં તે નક્કી કરી શકાય.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આંતરરાષ્ટ્રીય તપાસને ટેકો આપ્યો હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આ ક્રૂર આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા હોવા જોઈએ. ભારતના કાશ્મીરમાં આ ઘટનાના ગુનેગારો અને ષડયંત્રકારો કોણ છે તે શોધી કાઢવું જોઇએ. માત્ર વાતો કે ઠાલા નિવેદનોથી કોઇ અસર થતી નથી. એવા કોઈ પુરાવા હોવા જોઈએ કે પાકિસ્તાન સંડોવાયેલું છે અથવા આ લોકોને પાકિસ્તાન દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. ભારત ફક્ત નિવેદનો છે, ખાલી નિવેદનો કરે અને બીજું કંઈ નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ સ્વીકારી હતી. આ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઊભી થઈ છે.
જોકે આ જ ખ્વાજા આસિફે અગાઉ સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન આતંકવાદી જૂથોને સમર્થન આપે છે. સ્કાય ન્યૂઝના પ્રેઝન્ટર યાલ્દા હકીમે આસિફને આતંકવાદ પર પાકિસ્તાનના વલણ પર સવાલ કરીને જણાવ્યું હતું કે તમે સ્વીકારો છો કે પાકિસ્તાનનો આ આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે? આ જવાબના સવાલમાં આસિફે જણાવ્યું હતું કે હા, અમે લગભગ ત્રણ દાયકાથી અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમના દેશો માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.
