ઇરાનના સૌથી મોટા પોર્ટ બંદર અબ્બાસના શાહિદ રાજાઈ સેક્શન પર થયેલા એક શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયાં હતાં અને 750થી વધુ ઘાયલ થયાં હતાં. ભારે પવનને કારણે અગ્નિશામક કામગીરીમાં અવરોધો ઉભા થયાં હતાં. ગાઢ, કાળો ધુમાડો દૂર દૂર સુધી ફેલાયો હતો, જેના પરિણામે 20 કિલોમીટરથી વધુ દૂર આવેલા બંદર અબ્બાસમાં શાળાઓ અને ઓફિસોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
હેલિકોપ્ટર દ્રારા ગાઢ ધુમાડામાં લપેટાયેલા શિપિંગ કન્ટેનર પર પાણી ફેંકીને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આ શક્તિશાળી વિસ્ફોટ લગભગ 50 કિલોમીટર દૂર સુધી અનુભવાયો અને સંભળાયો હતો. શોકવેવ એટલો જોરદાર હતો કે મોટાભાગની બંદર ઇમારતોને ભારે નુકસાન થયું હતું.
આગ લાગવાના કારણની તપાસ ચાલુ કરાઈ હતી. સ્ટેટ ટીવીએ બંદરના કસ્ટમ ઓફિસને ટાંકીને જણાવ્યું હતું કે જોખમી અને રાસાયણિક સામગ્રીના સંગ્રહ ડેપોમાંથી આગ લાગી હતી.
ઈરાને ઓમાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ શરૂ કર્યો હતો ત્યારે આ વિસ્ફોટ થયો હતો. બંને ઘટનાઓ વચ્ચે કોઈ જોડાણ હોવાના કોઈ સંકેત મળ્યા ન હતાં.
ઈરાની સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કન્ટેનસરમાં રસાયણોના કારણે વિસ્ફોટ થયો હોવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાને ઘટનાની તપાસનો આદેશ આપ્યો અને તેમના ગૃહમંત્રીને સ્થળ પર મોકલ્યા હતાં.
