જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)એ ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદના નિંદનીય કૃત્યના ગુનેગારો તથા તેના ષડયંત્રકારો અને પ્રાયોજકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઇએ.
15 સભ્યોની સિક્યોરિટી કાઉન્સિલે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ત્રાસવાદી હુમલા અંગે એક અખબારી નિવેદન જારી આ હુમલાને સખત શબ્દોમાં નિંદા કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકનું મોત થયું હતું.
નિવેદનમાં જણાવાયું હતું કે સુરક્ષા પરિષદના સભ્યોએ આતંકવાદના આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા અને તેમને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો કર્યો છે. તેઓએ ભાર મૂક્યો કે આ હત્યાઓ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવી જોઇએ. આંતરરાષ્ટ્રીય કાયદા અને સંબંધિત સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળની જવાબદારીઓ અનુસાર તમામ દેશોએ આ સંદર્ભમાં તમામ સંબંધિત અધિકારીઓ સાથે સક્રિયપણે સહયોગ કરવો જોઇએ.
સુરક્ષા પરિષદના પ્રમુખ દ્વારા તમામ 15 સભ્યો વતી આ અખબારી નિવેદન જારી કરાયું હતું. હાલમાં સિક્યોરિટી કાઉન્સિલનું અધ્યક્ષ ફ્રાન્સ છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ આ અંગેનો મુસદ્દા તૈયાર કર્યો હતો અને તેની કાઉન્સિલના સભ્યોએ ચર્ચા કરી હતી. પાકિસ્તાન હાલ બિન કાયમી સભ્ય તરીકે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં સભ્ય છે. અખબારી નિવેદન માટે તમામ સભ્યોની સંમતિ જરૂરી હોય છે.
યુએનએસસીના સભ્યોએ પુનરોચ્ચાર કર્યો હતો કે આતંકવાદ તેના તમામ સ્વરૂપોમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો છે. આતંકવાદના કોઈપણ કૃત્યો ગુનાહિત અને ગેરવાજબી છે.
