અમેરિકામાં ફેડરલ એજન્ટોએ શુક્રવારે એક ગેરકાયદે માઇગ્રન્ટને બચાવવા બદલ મહિલા ન્યાયમૂર્તિની ધરપકડ કરી હતી. આ ધરપકડને કારણે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દેશનિકાલની કડક નીતિઓ મુદ્દે વ્હાઇટ હાઉસ અને કોર્ટ વચ્ચે ઘર્ષણ વધ્યું છે. આ અંગે એફબીઆઇના ડાયરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, મિલવૌકી કાઉન્ટીના સર્કિટ જજ હેન્ના ડુગને કથિત રીતે “ઇરાદાપૂર્વક ફેડરલ એજન્ટોને તે વ્યક્તિથી દૂર રાખ્યા હતા”, જેને એજન્ટો તેમની કોર્ટમાં અટકાયતમાં લેવા ઇચ્છતા હતા. અટકાયતમાં અવરોધ ઊભા કરવાના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. “અમે આપણા એજન્ટોના આભારી છીએ કે તેમણે ચાલીને આરોપીનો પીછો કર્યો અને તે ત્યારથી કસ્ટડીમાં છે, પરંતુ ન્યાયમૂર્તિના અવરોધથી લોકોમાં ભય વધ્યો હતો. ” ટ્રમ્પ દ્વારા નિયુક્ત ડાયરેક્ટર કાશ પટેલે આ પોસ્ટ મુક્યા પછી થોડીવારમાં જ તેને કાઢી નાખી હતી, પરંતુ પછી તેને ફરીથી પોસ્ટ કરી હતી. શુક્રવારે એક્સ પર બીજી પોસ્ટમાં કાશ પટેલે જણાવ્યું હતું કેસ, “કોઈપણ વ્યક્તિ કાયદાથી પર નથી”, જેમાં એક વ્યક્તિને હાથકડી પહેરાવીને એક વાહનમાં લઈ જતો ફોટો પણ હતો. આ ફોટો અંગે જણાવવામાં આવ્યું હતું કે, હાથકડી પહેરેલી વ્યક્તિ ડુગન હતા.
આ ઘટનાની ડેમોક્રેટ્સ દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી અને કેટલાક રીપબ્લિકન્સે તેને આવકારી હતી.
યુએસ એટર્ની જનરલ તરીકે એફબીઆઈના ઇન્ચાર્જ પામ બોન્ડીએ ડુગનની ધરપકડનો બચાવ કર્યો હતો અને ગેરકાયદે વિદેશીઓને આશ્રય આપનારાઓને એક ભયાનક ચેતવણી આપતાં કહ્યું હતું કે, “અમે તમને શોધી લઇશું.”

LEAVE A REPLY