ઇસરોના ભૂતપૂર્વ વડા કે કસ્તુરીરંગનનું શુક્રવારે બેંગલુરુમાં નિધન થયું હતું. ૮૪ વર્ષીય કસ્તુરીરંગન ઘણા સમયથી બીમાર હતાં.તેમણે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો), અવકાશ આયોગના અધ્યક્ષ અને ભારત સરકારના સચિવ તરીકે નવ વર્ષથી વધુ સમય સુધી ભારતીય અવકાશ પ્રોગ્રામનું ભવ્ય નેતૃત્વ કર્યું હતું. કસ્તુરીરંગનના નિધન પર રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે “તેઓ આજે સવારે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને સ્વર્ગવાસી થયા હતાં. તેમના પાર્થિવ શરીરને અંતિમ શ્રદ્ધાંજલિ માટે 27 એપ્રિલ સુધી રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RRI) ખાતે રાખવામાં આવશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કસ્તુરીરંગને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કુલપતિ અને કર્ણાટક જ્ઞાન આયોગના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેમણે રાજ્યસભાના સભ્ય (૨૦૦૩-૦૯) અને ભારતના તત્કાલીન આયોજન પંચના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.કસ્તુરીરંગન એપ્રિલ 2004 થી 2009 સુધી બેંગ્લોર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના ડિરેક્ટર પણ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કે કસ્તુરીરંગનને ભારતની વૈજ્ઞાનિક અને શૈક્ષણિક યાત્રામાં એક ઉત્કૃષ્ટ વ્યક્તિ તરીકે બિરદાવ્યાને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
