કાશ્મીર આતંકવાદી હુમલા પછી ભારત સાથે તંગદિલી વચ્ચે પાકિસ્તાનને ભારતની માલિકી અને ભારતમાં સંચાલિત એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાથી ભારતની એરલાઇન્સની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્ને અસર થવાની ધારણા છે.

ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ એક્સ પરના એક મેસેજમાં જણાવ્યું હતું કે ફ્લાઇટનો રૂટ બદલવાને કારણે “વૈકલ્પિક લાંબો રૂટ” પસંદ કરવો પડશે અને તેનાથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પ્રભાવિત થઈ શકે છે.એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. બંને એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ જતા પહેલા ફ્લાઇટના શિડ્યુલ્ડને બે વખત તપાસ કરવા અનુરોધ કર્યો હતો.

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરી દેતાં દિલ્હી અને ઉત્તરના ભારતના રાજ્યોથી ઉપડતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને તેમના નિયત સ્થળે પહોંચવામાં લાંબો સમય લાગશે. જેને કારણે ભાડું નજીકના ભવિષ્યમાં 8થી 12 ટકાની આસપાસ વધવાની પણ શક્યતા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસ જેટ પણ આંતરરાષ્ટ્રીય વિમાનોનું સંચાલન કરે છે.

એર ટ્રાફિક કન્ટ્રોલરે જણાવ્યું હતું કે અમેરિકા અને યૂરોપની કેટલીક ફ્લાઇટ્સનો સમય આશરે બે થી અઢી કલાક લંબાઇ જશે. વિમાની કંપનીઓ તેમની વિમાનની યોજના જણાવશે પછી જ ચિત્ર સ્પષ્ટ થશે. વિમાની ઉદ્યોગ જગતના લોકોનું કહેવું છે કે પાકિસ્તાની એરસ્પેસ બંધ થતાં ભાડમાં આઠથી 12 ટકાનો વધારો સંભવ છે. જો આ લાંબો સમય સુધી ચાલશે તો હવાઇ ભાડું વધુ વધી શકે છે. ફ્લાઇટનો સમય હાલ કરતાં વધી જશે તો તેના પરિણામે પે લોડનો મુદો ઊભો થશે અને આથી વિમાની કંપનીઓએ વિમાનોમાં વજન ઓછું રહે તેની પણ કાળજી રાખવી પડશે.

LEAVE A REPLY