પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પર વધુ એક પ્રહાર કરતાં ભારતે પાકિસ્તાનની નાગરિકો માટે વિઝા સર્વિસ તાકીદની અસરથી સ્થગિત કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. આ ઉપરાંત ભારતે પાકિસ્તાની નાગરિકોને જારી કરેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલની અસરથી રદ કર્યા છે. પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા મેડિકલ વિઝા પણ માત્ર 29 એપ્રિલ સુધી માન્ય ગણાશે.
આ અંગેની જાહેરાત કરતાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોએ વિઝા સમાપ્ત થાય તે પહેલાં દેશ છોડી દેવો પડશે. મંત્રાલયે ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ટાળવાની સલાહ પણ આપી છે અને હાલમાં જે લોકો પડોશી દેશમાં છે તેમને વહેલી તકે ઘરે પાછા ફરવાની તાકીદ કરી છે.
