
સિંધુ જળ કરારને સ્થગિત કરવાના ભારતના નિર્ણયની પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનને ગુરુવારે જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ મુજબ પાકિસ્તાનના ભાગના પાણીના પ્રવાહને રોકવા અથવા બીજે વાળવાના કોઈપણ પ્રયાસ, તથા નીચલા નદી કિનારાના અધિકારો પર હડપ કરવાના પ્રયાસને યુદ્ધનું કૃત્ય માનવામાં આવશે. આવા પ્રયાસોનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કરવાનો, વાઘા બોર્ડર ક્રોસિંગ બંધ કરવાનો, ભારત સાથે તમામ વેપાર સ્થગિત કરવાનો પણ નિર્ણય કર્યો હતો.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરવાના ભારતના પગલા સામે દેશનો પ્રતિભાવ ઘડવા માટે વડા પ્રધાન શહેબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ જાહેરાતો કરવામાં આવી હતી.આ બેઠકમાં મુખ્ય મંત્રીઓ અને ત્રણેય સેનાના વડાઓએ હાજરી આપી હતી.
જો સિંધુ અને દેશમાં વહેતી બે અન્ય નદીઓ ઝેલમ અને ચિનાબના પાણીને વાળવામાં આવે અથવા બંધ કરવામાં આવે તો પાકિસ્તાને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જેનાથી લાખો લોકો પ્રભાવિત થશે. પાકિસ્તાન પહેલાથી જ પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે અને આવા દંડાત્મક પગલાથી પાકિસ્તાનને નુકસાન થવાની શક્યતા છે.
કાશ્મીરના પહેલગામમાં મંગળવારે ત્રાસવાદી હુમલા પછી બંને પડોશી દેશો વચ્ચે તંગદિલી ઊભી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિમાં સિંધુ જળ કરારને સ્થગિત કરવા સહિતના પાંચ મોટા નિર્ણયો કરાયા હતા.
આ પછી ગુરુવારે પાકિસ્તાનની સુરક્ષા અંગેની સમિતિની બેઠક યોજાઈ હતી અને ભારત જેવા જ ભારત સામે પગલાં લેવાની જાહેરાત કરી હતી. ઇસ્લામાબાદે પણ સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતીયોને આપવામાં આવતી વીઝ પરમિટ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. અન્ય તમામ વિઝા પણ સ્થગિત કર્યા છે. તેને સમાન નિર્ણયમાં હાઇ કમિશનમાં ભારતીય રાજદ્વારી સ્ટાફની સંખ્યા ઘટાડીને 30 વ્યક્તિઓ કરવાનો પણ નિર્ણય લીધો છે.
