
કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા અને ગુરુવારે અંતિમસંસ્કાર કરાયા હતાં. ત્રણેયની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં.
મંગળવારે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં સુરતના શૈલેષ કળથીયા, ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો સમાવેશ થતો હતો. આ હુમલામાં ગુજરાતના બીજા પ્રવાસીઓ ઘાયલ થયા હતાં.
શૈલેષ કળથીયાનો મૃતદેહ બુધવારે રાત્રે સુરત લાવવામાં આવ્યો હતો. સુરત શહેરના ચીકુવાડી વિસ્તારના વતની કળથીયા (44) ચાર વર્ષ પહેલાં નોકરી ટ્રાન્સફરના કારણે મુંબઈ શિફ્ટ થયા હતા. તેઓ તેમની પત્ની અને બે બાળકો સાથે પહેલગામ ગયા હતા.
આ હુમલામાં ભાવનગર શહેરના કાલીયાબીડ વિસ્તારના રહેવાસી યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનું પણ મોત થયું હતું. પરમ પૂજ્ય મોરારીબાપુએ પણ યતીશ પરમારના પરિવારને સાંત્વના આપી હતી.
આ પિતા-પુત્રની જોડી ઉપરાંત ભાવનગરના 19 વ્યક્તિઓ 16 એપ્રિલે શ્રીનગરમાં મોરારી બાપુના પ્રવચનમાં હાજરી આપવા માટે કાશ્મીર ગયા હતાં. અમદાવાદથી, મૃતદેહોને રોડ માર્ગે ભાવનગર લાવવામાં આવ્યા હતાં.
અગાઉ પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હુમલામાં બચી ગયેલા અને ઘરે પાછા ફરવા માંગતા અન્ય પ્રવાસીઓને પાછા લાવવા માટે કેન્દ્ર સાથે નજીકથી કામ કરી રહી છે. પ્રવાસીઓને તેમના ધર્મની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
