
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ મંગળવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલાના ભારતે પાકિસ્તાન સામે પાંચ મોટા નિર્ણયો લીધા હતાં.1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. આ ઉપરાંત ભારત ખાતેના પાકિસ્તાન હાઇકમિશનના સ્ટાફમાં મોટો કાપ મૂકવાની, અટારી બોર્ડર પરની સંકલિત ચેક પોસ્ટ બંધ કરવાનો, તથા પાકિસ્તાની નાગરિકો માટેના વિઝા રદ કરવાનો પણ નિર્ણય કરાયો હતો. આ રાજદ્વારી પગલાં સૌથી મોટો નિર્ણય સિંધુ જળ કરારને સ્થગિત કરવાનો છે. તેનાથી ભારતમાં સિંધું અને તેની પેટાનદીઓનું પાણી પાકિસ્તાનમાં બંધ થઈ શકે છે અને તેનાથી પાકિસ્તાનમાં લાખ્ખો લોકોને અસર થશે.
ત્રાસવાદી હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક પછી આ નિર્ણયોની જાહેરાત કરાઈ હતી. સીસીએસે તમામ દળોને એલર્ટ રહેવાની પણ તાકીદ કરી હતી.
આ બેઠક પર સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ત્રાસવાદી હુમલામાં સીમાપારનું કનેક્શન બહાર આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓના સફળ આયોજન તથા આર્થિકવૃદ્ધિ અને વિકાસ તરફ તેની સતત પ્રગતિના વચ્ચે આ ત્રાસવાદી હુમલો થયો છે. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ પાંચ પગલાંની ભલામણ કરી હતી.
1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરાઈ છે. પાકિસ્તાન વિશ્વસનીય રીતે ત્રાસવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાનને આ જળ સંધિનો લાભ મળશે નહીં. અટારી ખાતેની ઇન્ટિગ્રેડેટ પોસ્ટ પણ તાકીદની અસરથી બંધ કરાઈ છે. જે લોકો માન્ય દસ્તાવેજ સાથે ભારત આવ્યા છે તેઓ પહેલી મે 2025 પહેલા તે માર્ગે પાછા જઈ શકશે. પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા એક્ઝેમ્પ્શન સ્કીમ (SVES) વિઝા હેઠળ ભારતની મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.ભૂતકાળમાં પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા કોઈપણ SVES વિઝા રદ ગણવામાં આવે છે. SVES વિઝા હેઠળ હાલમાં ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકે 48 કલાકમાં દેશ છોડવો પડશે.
નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઇ કમિશનમાં ડિફેન્સ, મિલિટરી, નેવલ અને એર એડવાઈઝર્સને પણ એક સપ્તાહમાં ભારત છોડવાનો આદેશ અપાયો છે. ભારત પણ ઇસ્લામાબાદ ખાતેના ઇન્ડિયન હાઇકમિશનમાંથી ડિફેન્સ, નેવી, એર એડવાઇર્સને પાછા બોલાવી લેશે. હાઇ કમિશનોમાં આવા હોદ્દાને રદ કરવામાં આવ્યા છે.બંને હાઇ કમિશનમાંથી સર્વિસ એડવાઇઝર્સના પાંચ સપોર્ટ સ્ટાફને પણ પાછા બોલાવી લેવાશે. ભારત ખાતેના પાકિસ્તાનની હાઇકમિશનમાં સ્ટાફની સંખ્યા 55થી ઘટાડીને 30 કરાઈ છે.
સરકારે જણાવ્યું હતું કે તાજેતરમાં તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની જેમ, ભારત આતંકવાદી કૃત્યો કરનારા અથવા તેમને શક્ય બનાવવાનું કાવતરું ઘડનારાઓનો પીછો કરવાનું ચાલુ રાખશે.
2019માં પુલવામા હુમલા પછીના સૌથી ભયંકર આતંકવાદી હુમલામાં, આતંકવાદીઓએ મંગળવારે કાશ્મીરના પહેલગામમાં બપોરે 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સાથે જોડાયેલા આતંકી સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ ભયાનક હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની માહિતી માટે રૂ.20 લાખનું ઇનામ જાહેર કર્યું છે.
સરકારનું સૌથી આકરું પગલું પાકિસ્તાન સાથે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવાનું છે. આનાથી સિંધુ નદી અને તેની પેટાનદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજમાંથી પાણી પુરવઠો બંધ થઈ જશે. આ નદીઓ પાણી બંધ થવાની પાકિસ્તાનમાં લાખ્ખો લોકોને અસર થશે.
