
નાની હોડીઓમાં મુસાફરી કરીને દેશમાં ઘુસી આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો છે. ફક્ત તા. 15ના રોજ – એક જ દિવસમાં કુલ 700થી વધુ લોકો અને આ વર્ષે ઘુસી આવતા માઇગ્રન્ટ્સની સંખ્યા લગભગ 9,000 થઈ ગઈ છે. તે પહેલા તા. 12ના રોજ 656 માઇગ્રન્ટસ આવ્યા હતા. આ આંકડા ગયા વર્ષે આ જ સમયે ચેનલ ક્રોસ કરનારા 6,265 લોકો કરતા લગભગ 40 ટકા વધારે છે.
લેબર સરકાર “ગેંગ્સનો નાશ કરશે” તેવું વચન આપનાર લેબર નેતા અને વડા પ્રધાન સર કેર સ્ટાર્મર માટે આ ભયાનક સમાચાર છે. નેશનલ ક્રાઇમ એજન્સી અને અન્ય લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા અસંખ્ય ધરપકડોના દાવા કરાઇ રહ્યા છે પણ હકીકત એ છે કે, સરકાર ગેંગને તોડી શકી નથી.
તાજેતરના રેકોર્ડ ક્રોસિંગ પછી લેબર પાર્ટી પર પાછલી સરકારની રવાન્ડા નીતિ જેવી જ નિવારક યોજના રજૂ કરવા માટે નવેસરથી દબાણ થશે. જેને સર કીર સ્ટાર્મરે તેમના કાર્યકાળના પહેલા દિવસે જ રદ કરી દીધી હતી.
શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલ્પે કહ્યું હતું કે “આજે લેબર પાર્ટીની નિષ્ફળતાનો બીજો દિવસ છે. આ 9,000 ઇમિગ્રન્ટ્સ ક્યારેય બ્રિટન છોડશે નહિં. રવાન્ડા ડીલને રદ કરવું એક વિનાશક ભૂલ હતી, અને હવે બ્રિટન તેની કિંમત ચૂકવી રહ્યું છે. ફ્રાન્સ સાથેનો માઇગ્રન્ટ્સને દૂર કરવાનો કરાર પણ કામ કરશે નહીં. કારણ કે તે ફક્ત ‘ઓછી સંખ્યામાં’ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ફ્રાન્સ પરત ફરતા જોશે. વ્યાખ્યા મુજબ, ગેરકાયદેસર રીતે ચેનલ પાર કરનારા મોટા ભાગના લોકોને યુકેમાં રહેવાનો અધિકાર મળશે.’’
