
વિશ્વભરના દેશો પર અમેરિકન વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ભારે આયાત ટેરિફને સંબોધવા માટે યુએસ સાથેના વેપાર કરાર માટે ચાલી રહેલી ચર્ચાઓ પર વડા પ્રધાન કેર સ્ટાર્મર અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે “ઉત્પાદક” વાટાઘાટો કરી હતી. તા. 18ના રોજ કરાયેલા ફોન કોલમાં રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈરાનની પરિસ્થિતિ અને યમનમાં હુતી બળવાખોરોને નિશાન બનાવતા યમનના બંદર પર તાજેતરના યુએસ દ્વારા કરાયેલા હુમલાઓ અંગે ચર્ચા કરી હતી.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે કિંગ ચાર્લ્સ III ના આમંત્રણ પર તેમની સૂચિત બીજી સ્ટેટ વિઝીટ આગામી સપ્ટેમ્બરમાં અપેક્ષિત છે. જો કે આ સમય અંગે બકિંગહામ પેલેસ દ્વારા હજુ સુધી પુષ્ટિ આપવામાં આવી નથી.
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “વડા પ્રધાને મુક્ત અને ખુલ્લા વેપાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.”
ટ્રમ્પ દ્વારા યુકેના માલ પર 10 ટકા ટેરિફ અને કાર, સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા વધુ ટેરિફ લાદવાની પૃષ્ઠભૂમિ સામે વેપાર કરાર કરવામાં આવી રહ્યો છે. બ્રિટને પરસ્પર ફાયદાકારક સોદાની આશામાં યુરોપિયન યુનિયન (EU) દ્વારા અપનાવવામાં આવેલા પ્રતિ-ટેરિફના માર્ગને અનુસરવાનો પ્રતિકાર કર્યો છે.
યુકેના ચાન્સેલર રશેલ રીવ્સ આવતા અઠવાડિયે G20 અને G7 નાણામંત્રીઓ સાથે મુલાકાત માટે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) વાર્ષિક સમિટમાં હાજરી આપવા માટે વોશિંગ્ટન જનાર છે. ટ્રમ્પના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ સાથેની તેમની પ્રથમ મુલાકાત હશે, જે દરમિયાન યુકે-યુએસ વેપાર કરાર એજન્ડામાં ટોચ પર રહેશે.
