(PTI Photo)

કાશ્મીરના પહેલગામ શહેર નજીક આતંકવાદીઓએ મંગળવારે કરેલા ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 20 પ્રવાસીઓના મોત થયા હોવાની આશંકા છે. ઘણા પ્રવાસીઓ પ્રવાસનો આનંદ માણી રહ્યાં ત્યારે ત્રાસવાદીઓએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરતાં 20થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ઘટનાસ્થળ પરના કથિત વીડિયોમાં મૃતદેહો પડેલા અને મહિલાઓ રડતી જોવા મળી રહી હતી.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ આ આતંકવાદી હુમલાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પર થયેલા કોઈપણ હુમલા કરતા ઘણો મોટો ગણાવ્યો હતો. અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સ ભારતની મુલાકાતે છે ત્યારે આ હુમલો બપોરે 3 વાગ્યાની આસપાસ થયો હતો. ફેબ્રુઆરી 2019માં પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 47 સીઆરપીએફ જવાનો માર્યા ગયા હતાં, ત્યારબાદ કાશ્મીરમાં થયેલો આ મોટો મોટો આતંકવાદી હુમલો હોઈ શકે છે.

સાઉદી અરેબિયાની યાત્રા પર રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર જણાવ્યું હતું કે “આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે…તેમને છોડવામાં આવશે નહીં! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.” ટેલિફોનિક વાતચીતમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને હુમલા સ્થળની મુલાકાત લેવા અને તમામ યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી. અમિત શાહ ટૂંક સમયમાં શ્રીનગર માટે રવાના થશે જ્યાં તેઓ તમામ એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક કરશે.

રિસોર્ટ સિટી પહેલગામનાથી લગભગ છ કિલોમીટર દૂર આવેલા પ્રવાસ સ્થળ બૈસરનમાં આ હુમલો થયો હતો. આ સ્થળ ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું ઘાસનું વિશાળ મેદાન છે અને પ્રવાસીઓ અને ટ્રેકર્સનું પ્રિય સ્થળ છે.’મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતા આ પ્રવાસ સ્થળ પર સશસ્ત્ર આતંકવાદીઓ ધસી આવ્યા હતાં તથા ખાણીપીણીની દુકાનોમાં ફરતા, પોની રાઇડ લેતા અથવા ફક્ત પિકનિક કરવા અને જોવાલાયક સ્થળોનો આનંદ માણતા પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો.

LEAVE A REPLY