
ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે સોમવાર, 21 એપ્રિલે નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર, ટેરિફ, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સહિતના મુદ્દે ચર્ચાવિચારણા કરી હતી. બંને દેશો વચ્ચે હાલમાં દ્વિપક્ષીય વેપાર કરારની વાટાઘાટો ચાલે છે ત્યારે આ બેઠકનું વિશેષ મહત્ત્વ છે.
સોમવારે સાંજે 6.30 વાગ્યે વડાપ્રધાન મોદીએ તેમના સેવન લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને વેન્સ અને તેમના પરિવારનું સ્વાગત કર્યું હતું. આ પછી બંને નેતાઓ વચ્ચે સત્તાવાર વાતચીત ચાલુ થઈ હતી.
બંને નેતાઓ ભારત-અમેરિકાના વૈશ્વિક વ્યૂહાત્મક સંબંધોને વધુ વિસ્તૃત કરવાના માર્ગો તેમજ વોશિંગ્ટનની વેપાર નીતિ અંગે નવી દિલ્હીની ચિંતાઓ પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.
આ વાટાઘાટો પછી વડા પ્રધાને વેન્સ, તેમના ભારતીય મૂળના પત્ની ઉષા ચિલુકુરી અને વાઇસ પ્રેસિડન્ટ સાથે આવેલા અમેરિકાના વરિષ્ઠ ધિકારીઓના પ્રતિનિધિમંડળ માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત લગભગ 60 દેશો સામે ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કર્યાના થોડા સપ્તાહમાં વેન્સ ભારતની મુલાકાતે આવ્યાં છે. નવી દિલ્હી અને વોશિંગ્ટન હવે દ્વિપક્ષીય વેપાર કરાર પર મહોર મારવા માટે વાટાઘાટો કરી રહ્યા છે જેમાં ટેરિફ અને બજાર ઍક્સેસ સહિતના વિવિધ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી ધારણા છે. ગયા મહિને અમેરિકાના ડેપ્યુટી વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચે ભારતની મુલાકાત લીધી હતી અને દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ને માટે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. હાલમાં અમેરિકાની મુલાકાતે રહેલા ભારતના નાણા પ્રધાન નિર્માલા સીતારામને પણ ઇન્ડિયન ડાયાસ્પોરા સાથેના વાર્તાલાપ દરમિયાન આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પ્રથમ તબક્કાનો દ્વિપક્ષીય વેપાર કરાર થવાની આશા છે.
વોશિંગ્ટન નવી દિલ્હી પર વધુ અમેરિકન તેલ, ગેસ અને લશ્કરી પ્લેટફોર્મ ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે જેથી ભારત સાથેની આશરે 45 બિલિયન ડોલરની વેપાર ખાધ ઓછી થઈ શકે. કેલેન્ડર વર્ષ 2023માં 190 બિલિયન ડોલરના કુલ દ્વિપક્ષીય વેપાર સાથે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો.
અગાઉ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ, તેમની ભારતીય મૂળની પત્ની ઉષા તથા તેમના ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ સોમવારે સવારે 10 વાગ્યે દિલ્હીના પાલમ એરબેઝ પર ઉતર્યા હતાં. એરપોર્ટ પર કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમનું સ્વાગત કર્યું હતું. વાઇસ પ્રેસિડન્ટને ત્રણેય સેનાના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દિલ્હી પહોંચ્યાના થોડા કલાકો પછી વેન્સ અને તેમના પરિવારે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર તથા પરંપરાગત ભારતીય હસ્તકલા વસ્તુઓ વેચતા શોપિંગ કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી હતી. દિલ્હી ઉપરાંત, વેન્સ અને તેમનો પરિવાર જયપુર અને આગ્રાની યાત્રા કરશે.
વેન્સનો અને તેમનો પરિવાર સોમવારની રાત્રે જયપુર માટે રવાના થશે.22 એપ્રિલે વેન્સ પરિવાર ભારતના અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે, જેમાં અંબર કિલ્લો તરીકે ઓળખાતા આમેર કિલ્લાનો સમાવેશ થાય છે. આ કિલ્લો યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ છે. તેઓ જયપુરમાં રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે એક સભાને સંબોધિત કરશે. તેમના ભાષણમાં વેન્સ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ભારત-અમેરિકા સંબંધોના વ્યાપક પાસાઓ પર વાત કરશે. આ કાર્યક્રમમાં રાજદ્વારીઓ, વિદેશ નીતિ નિષ્ણાતો, ભારતીય સરકારી અધિકારીઓ અને શિક્ષણવિદો હાજર રહે તેવી અપેક્ષા છે.
યુએસ વાઇસ પ્રેસિડન્ટ અને તેમનો પરિવાર 23 એપ્રિલની સવારે આગ્રા જાય તેવી અપેક્ષા છે. આગ્રામાં તેઓ તાજમહેલ અને શિલ્પગ્રામની મુલાકાત લેશે. શિલ્પગ્રામ ભારતીય કલાકૃતિઓનું પ્રદર્શન કરતું ઓપન એર એમ્પોરિયમ છે. આગ્રાની મુલાકાત પૂર્ણ કર્યા પછી વેન્સ પરિવાર 23 એપ્રિલે બપોર પછી જયપુર પરત આવશે. તેઓ 24 એપ્રિલે જયપુરથી યુએસ જવા રવાના થશે.
