
1.4 બિલિયન કેથોલિક્સના ધર્મગુરુ પોપના અવસાન પર ભારત, યુકે, અમેરિકા, રશિયા, યુરોપ સહિતના વિશ્વભરના નેતાઓએ દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો અને ચર્ચમાં સુધારા માટેના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એક મહાન પુરુષ ગણાવીને દુખ વ્યક્ત ક્યું હતું. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે તેમણે કેથોલિક ચર્ચથી ઘણા આગળ વધીને લાખો લોકોને નમ્રતા અને શુદ્ધ પ્રેમથીથી પ્રેરણા આપી હતી.
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને સોમવારે શોક સંદેશમાં જણાવ્યું હતું કે મને આ ઉત્કૃષ્ટ વ્યક્તિ સાથે ઘણી વાર વાતચીત કરવાની તક મળી હતી અને હું તેમની તેજસ્વી સ્મૃતિને હંમેશા સાચવી રાખીશ. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રશિયન ઓર્થોડોક્સ અને રોમન કેથોલિક ચર્ચ વચ્ચે સંવાદને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું હતું.
બકિંગહામ પેલેસે જારી કરેલા એક નિવેદનમાં કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાએ જણાવ્યું હતું કે કરુણા, ચર્ચમા એકતા પ્રત્યેની તેમની ચિંતા અને તમામ ધર્મના લોકોના ભલા માટે તેમની અથાક પ્રતિબદ્ધતા માટે પોપને યાદ કરવામાં આવશે. યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસ ગરીબો, વંચિતો અને ભૂલાયેલા લોકો માટે પોપ હતાં. તેઓ માનવ નાજુકતાની વાસ્તવિકતાઓની નજીક હતાં. તેઓ વિશ્વભરના યુદ્ધ, દુષ્કાળ અને ગરીબીનો સામનો કરતાં ખ્રિસ્તીઓને મળ્યા હતાં, છતાં તેમણે ક્યારેય વધુ સારા વિશ્વની આશા ગુમાવી ન હતી. મારી સંવેદના વિશ્વભરના કેથોલિકો અને રોમન કેથોલિક ચર્ચ સાથે છે. પવિત્ર આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસના અવસાનથી ખૂબ દુઃખ થયું. આ દુઃખ અને સ્મૃતિની ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના દીવાદાંડી તરીકે યાદ કરશે.
પોપ સાથેની તેમની મુલાકાતોને યાદ કરીને મોદીએ જણાવ્યું હતું કે સર્વસમાવેશી અને સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાથી તેઓ ખૂબ પ્રેરિત થયા છે.ભારતના લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ હંમેશા યાદ રહેશે. તેમના આત્માને શાશ્વત શાંતિ મળે તેવી પ્રાર્થના.
