અમદાવાદ વકફ બોર્ડની પ્રોપર્ટીનું ખોટી રીતે 17 વર્ષ સુધી ભાડુ વસૂલ કરવા બદલ રવિવારે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ પોતાની ઓળખ ટ્રસ્ટી તરીકે આપીને કરોડો રૂપિયાનું ભાડુ વસૂલ કર્યું હતું.
અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ કાંચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટની માલિકીની જમીન પરના લગભગ 100 ઘરો અને દુકાનોનું ભાડું ઠગાઈ કરીને આરોપીઓ વસૂલ કર્યું હતું. આ બંને ટ્રસ્ટ વકફ બોર્ડ હેઠળ રજિસ્ટ્રર્ડ થયેલા છે.
સામાન્ય રીતે વકફ મિલકત ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે સમર્પિત હોય છે. આવી મિલકતોમાંથી થતી આવકનો ઉપયોગ સામાન્ય રીતે ધાર્મિક પ્રવૃત્તિઓ, સખાવતી કાર્યો અથવા જાહેર લાભ માટે થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ બે ટ્રસ્ટની માલિકીની 5,000 ચોરસ મીટરથી વધુ જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. તેમણે 2008થી 2025 દરમિયાન લગભગ 100 મિલકતો (ઘરો અને દુકાનો) બનાવી અને માસિક ભાડું વસૂલ્યું હતું. પાંચેયની ઓળખ સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહમૂદખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ ચોબદાર અને શાહિદ અહેમદ શેખ તરીકે થઈ હતી. આમાંથી સલીમ ખાન પઠાણ એક હિસ્ટ્રીશીટર છે અને તેના પર પાંચ કેસ છે, જેમાં એક આર્મ્સ એક્ટ સંબંધિત છે.
કાંચીની મસ્જિદ ટ્રસ્ટની જમીન પર બનેલી મિલકતોના ભાડૂઆત ફરિયાદી મોહમ્મદ રફીક અન્સારીએ જણાવ્યું હતું કે, આરોપીઓમાંથી કોઈ પણ ટ્રસ્ટનો સભ્ય નથી.
