બોલીવૂડ માટે 2025ના વર્ષના પ્રથમ ત્રણ મહિના બિઝનેસ માટે નિરાશાજનક રહ્યા છે. આ ત્રણ મહિના દરમિયાન બોલીવૂડમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફિલ્મ રિલીઝનું પ્રમાણ વધ્યુ હતું. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કુલ 13 હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી, પરંતુ ‘છાવા’ને બાદ કરતાં અન્ય કોઈ ફિલ્મ હિટ રહી ન હોતી. 13 ફિલ્મોમાં કુલ રૂ.890 કરોડનું રોકાણ થયું હતું, જ્યારે એકંદર બિઝનેસ રૂ.1048 કરોડનો રહ્યો હતો. 2024માં પ્રથમ ત્રણ મહિના દરમિયાન રીલીઝ થયેલી હિન્દી ફિલ્મોએ રૂ.943 કરોડનો બિઝનેસ કર્યો હતો. આમ, ગત વર્ષની તુલનાએ આ વર્ષ ઈન્ડસ્ટ્રી માટે થોડું સારું રહ્યું છે.
આ વર્ષના પ્રથમ ત્રિમાસિક દરમિયાન 13 ફિલ્મોએ જે બિઝનેસ કર્યો તેમાં 58 ટકા ફાળો માત્ર વિકી કૌશલની ‘છાવા’ ફિલ્મનો હતો. વીર છત્રપતિ સંભાજી મહારાજના જીવન આધારિત આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને તેણે રૂ.613 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે અન્ય 12 ફિલ્મોનો એકત્રિત બિઝનેસ માત્ર 435 કરોડ નોંધાયો હતો.
કહેવાય છે કે, ‘છાવા’માં રૂ. 130 કરોડનું રોકાણ થયું હતું, જ્યારે અન્ય 12 ફિલ્મોનું સંયુક્ત રોકાણ 760 કરોડ હતું. જેની સામે આ 12 ફિલ્મોએ 435 કરોડની આવક મેળવી હતી. બોક્સઓફિસ પર આ ફિલ્મોને રૂ. 325 કરોડની ખોટ ગઈ હતી. બજેટ અને આવકની સરખામણીને જોતાં આ 12 ફિલ્મોએ એકંદરે 42 ટકાની ખોટ કરી હતી. 2025ના વર્ષમાં અત્યાર સુધીની વાત કરીએ તો માત્ર ‘છાવા’ જ નફો કરી શકે છે. રૂ.130 કરોડના બજેટ સામે રૂ.613.24 કરોડનું કલેક્શન મેળવી આ ફિલ્મે 371.35 ટકા નફો મેળવ્યો છે.
આ દરમિયાન સૌથી વધારે ખોટ ‘આઝાદ’ ફિલ્મને થઇ હતી. અજય દેવગણના ભત્રીજા અમન દેવગણ અને રવિના ટંડનની દીકરી રાશા થડાણીની ડેબ્યુ ફિલ્મ ‘આઝાદ’માં 80 કરોડનો ખર્ચ થયો હતો. આ ફિલ્મને 7.61 કરોડના બોક્સઓફિસ કલેક્શન પર 90 ટકા જેટલું નુકસાન થયું હતું. અન્ય ફિલ્મોમાં ફતેહને રૂ. 40 કરોડના બજેટ સામે રૂ.18.87 કરોડનું કલેક્શન મળ્યું હતું. કંગના રણોતની બહુચર્ચિત ‘ઈમરજન્સી’માં 60 કરોડનો ખર્ચ થયો હતો અને તેને 20.48 કરોડનું કલેક્શન મળ્યું હતું. અક્ષયકુમારની ‘સ્કાય ફોર્સ’ને 160 કરોડના બજેટ સામે રૂ.134.93 કરોડનું કલેક્શન મળ્યું હતું. બોક્સઓફિસ પર 100 કરોડથી વધુનો આંક પાર કરવા છતાં ‘સ્કાયફોર્સ’ ખોટમાં રહી હતી. શાહિદ કપૂરની ‘દેવા’ને 50 કરોડના બજેટ સામે રૂ.33.97 કરોડનું કલેક્શન મળ્યું હતું. ઈબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂરની ‘લવયપ્પા’ માટે 30 કરોડનો ખર્ચ થયો હતો અને તેને રૂ.7.69 કરોડનું કલેક્શન મળ્યું હતું. હિમેશ રેશમિયાની ‘બેડએસ રવિકુમાર’ 20 કરોડમાં બની હતી અને રૂ.13.78 કરોડની આવક મેળવી હતી.
અર્જુન કપૂર-ભૂમિ પેડણેકરની ‘મેરે હસબન્ડ કી બીવી’માં રૂ.60 કરોડનો ખર્ચ થયો હતો અને તેને માત્ર રૂ.12.25 કરોડનું કલેક્શન મળ્યું હતું. ‘સુપરબોય્ઝ ઓફ માલેગાંવ’ રૂ.20 કરોડમાં બની હતી અને તેને માત્ર રૂ.5.05 કરોડ મળ્યા હતા. રૂ.20 કરોડમાં બનેલી ‘ક્રેઝી’ને રૂ.14.03 કરોડ, જોન અબ્રાહમની ‘ધ ડિપ્લોમેટ’ને રૂ.20 કરોડના ખર્ચ સામે રૂ.38.88 કરોડની આવક થઈ હતી. આમ ‘છાવા’ ઉપરાંત માત્ર ‘ધ ડિપ્લોમેટ’ બજેટ કરતાં વધુ આવક મેળવી શકી હતી. સલમાન ખાનની ‘સિકંદર’ માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી. રૂ. 200 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે અત્યાર સુધી 128 કરોડનું કલેક્શન મેળવ્યું છે. આમ, કુલ 890 કરોડના બજેટ સામે 13 હિન્દી ફિલ્મોએ એકંદરે રૂ.1048.3 કરોડની આવક મેળવી છે.
