ભારતમાં સોનાની આયાત માર્ચ મહિનામાં 192.13 ટકા ઉછળીને 4.47 બિલિયન ડોલર નોંધાઇ હતી. જોકે, મોટાભાગનો આ ઉછાળો સોનાના ભાવમાં વધારો થવાને કારણે જોવાયો હતો. સરકારે શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા. ગત વર્ષે આ ગાળામાં સોનાની આયાત 1.53 બિલિયન ડોલર હતી. માર્ચમાં ચાંદીની આયાત 85.4 ટકા ઘટીને 11.93 કરોડ ડોલર થઈ હતી. સમગ્ર વર્ષ 2024-25માં આયાત 11.24 ટકા ઘટીને 4.82 બિલિયન ડોલર નોંધાઇ હતી. સમગ્ર વર્ષ 2024-25માં સોનાની આયાત 27.27 ટકા વધીને 58 બિલિયન ડોલર થઈ હતી, જે અગાઉના વર્ષ 2023-24માં 45.54 બિલિયન ડોલર હતી.

સોનાની આયાત વધી તે સંકેત કરે છે કે રોકાણકારોનો સોનામાં વિશ્વાસ વધી રહ્યો છે. ખાસ કરીને એક સલામત મિલકત તરીકે તેઓ સોનાને જોઈ રહ્યા છે. બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે ત્યારે બેન્કો તરફથી પણ સોનાની માંગ વધી છે. સ્વિત્ઝરલેન્ડમાંથી ભારતે સૌથી વધુ સોનાની આયાત કરી હતી. કુલ આયાતના 40 ટકા આયાત ત્યાંથી થઈ હતી. બીજા ક્રમે યુએઈમાંથી 16 ટકા અને સાઉથ આફ્રિકામાંથી 10 ટકા આયાત કરી હતી. દેશની કુલ આયાતમાં સોનાની આયાતનું 8 ટકા યોગદાન છે.

વોલ્યૂમની દૃષ્ટિએ સોનાની આયાત 2024-25માં ઘટીને 757.15 ટન થઈ હતી, જે 2023-24માં 795.32 ટન હતી. ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાત 62 ટકા ઘટી હતી જ્યારે જાન્યુઆરીમાં 40.8 ટકા વધી હતી. ડિસેમ્બરમાં સોનાની આયાત 55.39 ટકા વધી હતી. સોનાની આયાત વધતા દેશની ટ્રેડ ડેફિસિટ માર્ચમાં વધીને 21.54 બિલિયન ડોલર થઈ હતી. વર્ષ 2024-25માં ટ્રેડ ડેફિસિટ 282.82 બિલિયન ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી હતી.

ભારત વિશ્વમાં સોનાનો વપરાશ કરતો બીજા ક્રમનો સૌથી મોટો દેશ છે. ચીનમાં સોનાનો સૌથી વધુ વપરાશ છે. દેશમાં સોનાની આયાત મુખ્યત્વે જ્વેલરી ઈન્ડસ્ટ્રીની માંગ પૂરી કરવા માટે થાય છે.

LEAVE A REPLY