(PMO via PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વહીવટીતંત્રમાં મજબૂત પ્રભાવ ધરાવતા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ પર ચર્ચાવિચારણા કરાઈ હતી.

મસ્ક સાથે વાતચીત કર્યા પછી મોદીએ X પર જણાવ્યું હતું કે ઇલોકન મસ્ક સાથે વાતચીત કરી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં અમારી બેઠક દરમિયાન આવરી લેવામાં આવેલા વિષયોનો પણ સમાવેશ થાય છે. અમે ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ પર ચર્ચાવિચારણા કરી હતી. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથેની ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

મસ્કની ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશ કરે તેવી અટકળો છે. સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની સ્ટારલિન્કનું એક પ્રતિનિધિમંડળ હાલમાં ભારતમાં છે. અગાઉ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સ્ટારલિંકના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી તથા કંપનીના ટેકનોલોજી પ્લેટફોર્મ, હાલની ભાગીદારી અને ભારતમાં ભવિષ્યની રોકાણ યોજનાઓ અંગે ચર્ચાવિચારણા કરી હતી. બેઠકમાં સ્ટારલિંકના વાઇસ પ્રેસિડેન્ટ ચાડ ગિબ્સ અને સિનિયર ડિરેક્ટર રાયન ગુડનાઇટ સામેલ હતા.આ વર્ષની શરૂઆતમાં, રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ બંનેએ સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ ભારતમાં લાવવા માટે ઇલોન મસ્કના સ્પેસએક્સ સાથે કરાર કર્યા હતા.

 

LEAVE A REPLY