પંજાબમાં થયેલા અનેક આતંકવાદી હુમલાઓ માટે ભારતમાં વોન્ટેડ જાહેર કરાયેલા આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ગુરુવારે એફબીઆઈ અને યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં ધરપકડ કરી હતી.
X પરની એક પોસ્ટમાં FBIના સેક્રામેન્ટો કાર્યાલયે જણાવ્યું હતું કે ભારતના પંજાબમાં આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર કથિત આતંકવાદી હરપ્રીત સિંહની FBI અને EROએ સેક્રામેન્ટોમાં ધરપકડ કરી હતી. બે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથો સાથે જોડાયેલા, તે ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ્યો હતો અને ધરપકડથી બચવા માટે બર્નર ફોનનો ઉપયોગ કરતો હતો.
હેપ્પી પાસિયા પંજાબના અમૃતસર જિલ્લાના પાસિયા ગામનો વતની છે. 2021માં મેક્સિકોથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા પહેલા તે થોડા સમય માટે યુકેમાં રહ્યો હતો. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર તે 17 ગુનાહિત કેસોમાં વોન્ટેડ છે, જેમાં ભારતમાં આતંકવાદ વિરોધી અને ડ્રગ કાયદા હેઠળના આરોપોનો સમાવેશ થાય છે. તેમાંથી બાર કેસ નવેમ્બર 2022 અને એપ્રિલ 2024 ની વચ્ચે દાખલ કરવામાં આવ્યા હતા.
23 માર્ચે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 2024ના ચંદીગઢ ગ્રેનેડ હુમલાના સંબંધમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI)ના ચાર આતંકી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં હેપ્પી પાસિયાનું પણ નામ હતું.
ગત સાત મહિનામાં પંજાબમાં ઓછામાં ઓછા 16 ગ્રેનેડ એટેક થયા છે. તેમાંથી 14નો માસ્ટર માઇન્ડ હેપ્પી પાસિયા જ હતો. જન્સીઓ હેપ્પી પાસિયાની તલાશ કરી રહી હતી અને તેના પર પાંચ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી
