(ANI Photo/Jitender Gupta)

વિવાદાસ્પદ વકફ સુધારા ધારાને પડકારતી સંખ્યાબંધ અરજીઓની બીજી દિવસે સુનાવણી દરમિયાન ભારત સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે સરકાર 5 મે સુધી લાંબા સમયથી વકફ તરીકે ઉપયોગ થતી વકફ સંપત્તિ સહિતની કોઇ પણ વકફ જાહેર થયેલી સંપત્તિને ડિનોટિફાઈ કરશે નહીં. આ ઉપરાંત સરકાર સેન્ટ્રલ વકફ કાઉન્સિલ કે વકફ બોર્ડમાં કોઇ નિમણૂક કરશે નહીં. સુપ્રીમ કોર્ટે વકફ પ્રોપર્ટીના ડિનોટિફિકેશન તથા વકફ કાઉન્સિલ અને બોર્ડમાં બિન મુસ્લિમોના સમાવેશ સામે વચગાળાનો આદેશ આપવાની દરખાસ્ત કરી ત્યારે કેન્દ્ર સરકારે આ ખાતરી આપી હતી અને જવાબ આપવા માટે 5 મે સુધીનો સમય માંગ્યો હતો.

કોર્ટ જણાવ્યું હતું કે આગામી સુનાવણી (5 મે) પ્રારંભિક વાંધાઓ અને વચગાળાના આદેશ માટે હશે.કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે વકફ કાયદાને યોગ્ય ચર્ચાવિચારણા પછી સંસદે બહાલી આપી છે અને સરકારને સાંભળ્યા વગર તેના પર સ્ટે મૂકી શકાય નહીં. સરકારને જવાબ આપવા માટે સમય આપવો જોઇએ. આ રજૂઆતની નોંધ લઈને ખંડપીઠે કેન્દ્રને પ્રારંભિક જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જો કોઈપણ વકફ મિલકતની નોંધણી 1995ના અગાઉના કાયદા હેઠળ થઈ હોય, તો તે મિલકતોને આગામી સુનાવણી સુધી ડીનોટિફાઇ કરી શકાશે નહીં.

સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે જો કોર્ટ ધારા પર સ્ટે મૂકવા જઈ રહી હોય તો તે દુર્લભ હશે. અમારે કોર્ટને કાયદાના ઇતિહાસમાં લઈ જવી પડશે. સરકારને અનેક રજૂઆતો મળી હતી અને પછી કાયદામાં સુધારો કરાયો હતો. ઘણી જગ્યાએ ખાનગી મિલકતો વકફ તરીકે હડપ કરવામાં આવી હોવાના ઘણા ઉદાહરણો છે. કાયદાની જોગવાઈઓ કઠોર પગલું હોઈ શકે છે, પરંતુ સરકારને તેનો પ્રારંભિક જવાબ આપવાની મંજૂરી આપવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે આ મામલે કુલમાંથી માત્ર પાંચ અરજીઓની સુનાવણી કરવાનો પણ નિર્ણય કર્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં કુલ 72 અરજીઓ થયેલી છે.

 

LEAVE A REPLY