‘તુમ સે તુમ તક’ શો ઝી ટીવી પર શરૂ થઈ રહ્યો છે. જેમાં ઉંમર અને સમાજના બંધનો અને નિયમોથી ઉપર એક નવા પ્રકારની કથા દર્શાવામાં આવશે. આ સિરીયલમાં 19 વર્ષની એક મધ્યમવર્ગીય પરિવારની છોકરી અનુ અને 46 વર્ષના બિઝનેસ ટાયકૂન આર્યવર્ધની સ્ટોરી છે. અનુનાં મોટાં સપનાં છે અને તે મૂલ્યોની પાક્કી છે. જ્યારે આર્યવર્ધને પોતાની જાતે પોતાની કારકિર્દી ઊભી કરી છે, જે પોતાની શિસ્ત અને સંસ્કાર માટે જાણીતો છે.
તેમની વચ્ચેના દેખીતા ઉમરના અને સામાજિક અંતર છતાં તેમની વચ્ચે પ્રેમ થાય છે. જે સમાજના દરેક બંધનને પડકારે છે. આ સીરિયલમાં અનુની ભૂમિકા નિહારિકા ચોકસે કરે છે, જ્યારે આર્યવર્ધનના રોલમાં શરદ કેલકર છે. આઠ વર્ષનાં લાંબા વિરામ પછી શરદ કેલકર ટીવીના પડદે જોવા મળશે. શરદ કેલકરે આ શો અંગે જણાવ્યું હતું કે, “આઠ વર્ષે ટીવી પડદે પરત આવતા હું ખૂબ ઉત્સુક છું. હું યોગ્ય કામની રાહ જોઈ રહ્યો હતો અને આ શોની વાર્તા સાંભળી ત્યારથી આ શો મને પર્ફેક્ટ લાગ્યો છે.
આ નવો, અનોખો અને પ્રેમને નવી વ્યાખ્યા આપતો શો છે. તેમાં આધુનિક પ્રેમ કહાની છે જે સમાજના રૂઢિગત નિયમોને પડકારે છે અને સાબિત કરે છે કે જ્યારે બે દિલ મળી જાય ત્યારે ઉમર માત્ર આંકડો બની રહે છે. મારું પાત્ર ઊંડું હોવા છતાં આકર્ષક છે. આશા છે કે લોકો આ પાત્રને સ્વીકારશે.”
