(istockphoto.com)

વૈશ્વિક બજારમાં ટેરિફની અનિશ્ચિતતા, અમેરિકામાં ભાવમાં ઘટાડો અને દક્ષિણ એશિયન દેશોની માગમાં વધારાને પગલે અમેરિકાથી ભારતમાં શોર્ટ એન્ડ મીડિયમ સ્ટેપલ કપાસની નિકાસમાં વધારો થયો છે, એમ ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના ડેટા અનુસાર ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ભારતમાં નિકાસ વધીને 155,260 રનિંગ ગાંસડી થઈ ગઈ હતી, જે એક વર્ષ અગાઉના સમયગાળા દરમિયાન 25,901 ગાંસડી હતી. આ નિકાસ 20 ફેબ્રુઆરીના સપ્તાહમાં અઢી વર્ષની ટોચે પહોંચી હતી. વોશિંગ્ટન-બેઇજિંગ વચ્ચે વેપાર યુદ્ધમાં વધારો થયો છે ત્યારે ચીનમાં અમેરિકાના કપાસની નિકાસમાં ઘટાડો થયો છે. ચીને અમેરિકાની પ્રોડક્ટ્સ પર 125 ટકા ટેરિફ લાદેલી છે.
કેડિયા એડવાઇઝર્સના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર આ ટેરિફ અને ચીનની માંગમાં ઘટાડા સાથે, ટેક્સાસ અને અન્ય પ્રદેશોમાં ઉગાડવામાં આવતા અપલેન્ડ કપાસને હવે ભારતમાં બજાર મળી રહ્યું છે.

ભારત ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે. વિશ્વના સૌથી મોટા કોટન યાર્ન પ્રોસેસર અને નિકાસકારોમાં પણ ભારતનો સમાવેશ થાય છે. જોકે ઘટતી ઉપજને કારણે તાજેતરમાં દેશ ચોખ્ખા નિકાસકારમાંથી ફાઇબરનો ચોખ્ખો આયાતકાર બની ગયો છે.ભારત મુખ્યત્વે અમેરિકાથી એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કપાસની આયાત કરે છે, જેના પર 10% ડ્યુટી મુક્તિનો લાભ મળે છે, જ્યારે શોર્ટ સ્ટેપલ કપાસ પર 11% આયાત ડ્યુટી લાગે છે.

કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ વર્ષે કપાસના ઉત્પાદનનો અંદાજ 250,000 ગાંસડી ઘટાડીને 30.1 મિલિયન ગાંસડી કર્યો છે, જે 2023-24 સીઝન કરતાં 7.84% ઓછો છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચના ડિરેક્ટર વાય. જી. પ્રસાદે જણાવ્યું હતું કે, ભારતમાં આ વર્ષે 2.5 મિલિયન ગાંસડી કપાસની ઘટ જોવા મળી શકે છે, જે આયાતમાં વધારો કરીને પૂરી શકાય છે.

LEAVE A REPLY