પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિશ્વની બે આર્થિક મહાસત્તા વચ્ચેના ટ્રેડ વોરને વધુ ઉગ્ર બનાવતા અમેરિકાએ જણાવ્યું હતું કે ચીન તેના વળતા પગલાંને કારણે હવે અમેરિકામાં 245 ટકા સુધીની ટેરિફનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ચીને કહ્યું હતું કે હવે અમે ટેરિફ પર ધ્યાન કેન્દ્રિત કરીશું નહીં. ચીનની આયાત પર લાદવામાં આવેલો ટ્રમ્પનો ટેરિફ હવે તર્કસંગત નથી અને હવે તેનાથી બહુ ફરક પડતો નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટેરિફ મામલે ચીનનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે અમેરિકા દ્વારા તેના પર લાદવામાં આવેલા ટેરિફ હવે ફક્ત આંકડાઓનો ખેલ બની ગયો છે.

મંગળવારે જારી કરેલી ફેક્ટશીટમાં વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પે આયાતી પ્રોસેસ્ડ ક્રિટિકલ મિનરલ્સ અને તેમના ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સ પર યુએસની નિર્ભરતાને કારણે રાષ્ટ્રીય સુરક્ષા જોખમોની તપાસ શરૂ કરવા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રથમ દિવસથી ટ્રમ્પે અમેરિકાના અર્થતંત્રને ફરીથી મહાન બનાવવા માટે તેમની અમેરિકા ફર્સ્ટ ટ્રેડ પોલિસી શરૂ કરી છે. 75થી વધુ દેશોએ નવી વેપાર સમજૂતી કરવા અમેરિકાનો સંપર્ક કર્યો છે. તેના પરિણામે ચીન સિવાયના દેશો પર ટેરિફ પર બ્રેક મારવામાં આવી છે. ચીને વળગા પગલાં લીધી હોવાથી તે હવે અમેરિકામાં 245 ટકા સુધીની ટેરિફનો સામનો કરી રહ્યું છે. જોકે ફેક્ટશીટમાં ચીન કેવી રીતે આટલી ઊંચી ટેરિફનો સામનો કરી રહ્યું છે તેની વિગતો આપી ન હતી.

બીજી તરફ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ચીનને બોઇંગ સોદામાં પીછેહટ કરી છે. ચીન વિમાનની ડિલિવરી લેશે નહીં. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે ચીને તેની એરલાઇન્સ કંપનીઓને અમેરિકાની વિમાન ઉત્પાદક કંપની બોઇંગ પાસેથી વિમાનની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે આ પોસ્ટમાં ચીન જેવા વિરોધી દેશો સાથેના વેપાર યુદ્ધમાં અમેરિકા અને તેના ખેડૂતોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY