હાર્વર્ડ યુનિવર્સિટી માટે સરકારી ફંડ સ્થગિત કર્યા પછી ટ્રમ્પ વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે જો અમેરિકાની આ સૌથી ધનાઢ્ય શૈક્ષણિક સંસ્થા કેમ્પસમાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓને રોકવાની તેની માંગણી સ્વીકારશે નહીં તો તે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સત્તા ગુમાવી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઔપચારિક રીતે ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ (IRS)નો પણ સંપર્ક કર્યો છે, જેમાં આ આઇવી લીગ કોલેજનો કરમુક્તિનો દરજ્જો રદ કરવા પણ જણાવ્યું છે.
ગાઝા યુદ્ધને પગલે હમાસના સમર્થનમાં તાજેતરમાં ભારે દેખાવો થયા હતાં તેવી અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને ટ્રમ્પ નિશાન બની રહ્યાં છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જણાવ્યું હતું કે જો હાર્વર્ડ યુનિવર્સિટી કેટલાંક વિઝા ધારકોની માહિતી શેર કરવાની માંગણીઓ પૂર્ણ નહીં કરે તો તે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા ગુમાવશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે હાર્વર્ડને એક પત્ર લખી 30 એપ્રિલ સુધીમાં હાર્વર્ડના વિદેશી વિદ્યાર્થીની “ગેરકાયદેસર અને હિંસક પ્રવૃત્તિઓ” અંગે રેકોર્ડ માંગ્યા છે. નોઈમે હાર્વર્ડને બે DHS ગ્રાન્ટ્સ બંધ કરવાની પણ જાહેરાત કરી હતી.
હાર્વર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી નોએમના “ગ્રાન્ટ રદ કરવા અને વિદેશી વિદ્યાર્થી વિઝાની ચકાસણી અંગેના પત્ર” થી વાકેફ છે.યુનિવર્સિટી પોતાની સ્વતંત્રતા અને બંધારણીય અધિકારો સાથે સમાધાન ન કરવા માટે મક્કમ છે.
