(@narendramodi on X via PTI Photo)

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વાન્સ અને તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વાન્સ આગામી સપ્તાહે ભારતની મુલાકાતે આવશે. વાન્સ અને સેકન્ડ ફેમિલી 18થી 24 એપ્રિલે ઇટાલી અને ભારતની મુલાકાતે જશે. તેઓ ભારતમાં નવી દિલ્હી, જયપુર અને આગ્રાની મુલાકાત લેશે. તેઓ તેમની સાથે ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલને લઈને આવે તેવી અપેક્ષા છે.

યુએસ વાઇસ પ્રેસિડન્ટ 21 એપ્રિલે વડા પ્રધાન મોદી સાથે બેઠક કરી તેવું માનવામાં આવે છે, જેમાં ટેરિફનો મુદ્દો અને દ્વિપક્ષીય વેપાર કરાર માટે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સહિત ભારત-અમેરિકા સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા થશે.

આ અંગેની જાહેરાત કરતા વાઇસ પ્રેસિડન્ટની ઓફિસે બુધવારે જણાવ્યું હતું કે વાઇસ પ્રેસિડન્ટ આ દેશોના નેતાઓ સાથે સહિયારી આર્થિક અને ભૂ-રાજકીય મુદ્દાની ચર્ચાવિચારણા કરશે. વાઇસ પ્રેસિડન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ તેમના પરિવાર સાથે સાંસ્કૃતિક સ્થળોની પણ મુલાકાત લેશે.

ભારતની આ મુલાકાત ઉષા વાન્સની અમેરિકાના સેકન્ડ લેડી તરીકે તેમના પૂર્વજોના દેશની પ્રથમ મુલાકાત બની રહેશે. ઉષાના માતા-પિતા ક્રિશ ચિલુકુરી અને લક્ષ્મી ચિલુકુરી 1970ના દાયકાના અંતમાં ભારતથી અમેરિકા સ્થળાંતર કરી ગયા હતાં. ક્રિશ સાન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીના એરોસ્પેસ એન્જિનિયરિંગ વિભાગના કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એકેડેમિક અફેર્સના લેક્ચરર છે.લક્ષ્મી સાન ડિએગોમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ખાતે સિક્સ કોલેજના મોલેક્યુલર બાયોલોજી વિભાગ અને પ્રોવોસ્ટમાં પ્રોફેસર છે.

LEAVE A REPLY