
બર્મિંગહામની શેરીઓમાંથી કચરો ઉપાડતા બિન વર્કર્સે ઓલઆઉટ હડતાળનો અંત લાવનારા સોદાને નકારી કાઢ્યો છે. તેના કારણે શહેરની શેરીઓમાં કચરો ભરેલી થેલીઓના ઢગલા ખડકાયા છે અને શહેરમાં ઉંદરોનો ધસારો થયો છે. શહેરના લગભગ 350 કામદારોએ જાન્યુઆરીમાં હડતાળ શરૂ કરી હતી અને 11 માર્ચથી તેઓ સંપૂર્ણ હડતાળ પર છે.
યુનિયન યુનાઇટેડના જનરલ સેક્રેટરી, શેરોન ગ્રેહામે સરકારને હસ્તક્ષેપ કરી હડતાળનો અંત લાવવા હાકલ કરતા જણાવ્યું હતું કે ‘’સોમવારે કામદારોએ સોદાને નકારી કાઢવા માટે ભારે મતદાન કર્યું હતું અને સરકારની ઓફરને સંપૂર્ણપણે અપૂરતી ગણાવી હતી જેમાં હજુ પણ નોંધપાત્ર પગાર કાપનો સમાવેશ થાય છે. ઓફર 200 ડ્રાઇવરો માટે સંભવિત પગાર કાપને સંબોધવામાં પણ નિષ્ફળ ગઈ છે.’’
ગયા અઠવાડિયે શહેરની મુલાકાત લેનારા ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રેનરે કહ્યું હતું કે “કચરો સાફ કરવાના લોજિસ્ટિકલ ઓપરેશનમાં મદદ કરવા માટે અમે બે સૈન્ય લોજિસ્ટિક્સ તૈનાત કર્યા છે. અમે શેરીઓમાંથી 66 ટકાથી વધુ કચરો સાફ કરી દીધો છે.”
હડતાળના કારણે લેબર સંચાલિત બર્મિંગહામ સિટી કાઉન્સિલ વિસ્તારમાં 21,000 ટન કચરો રસ્તાઓ પર છોડી દેવાયો હતો. હવે દરરોજ 1,500 ટન કચરો સાફ કરાઇ રહ્યો છે અને સૌથી વધુ અસરગ્રસ્ત ૧૫ વોર્ડને પ્રાથમિકતા આપે છે. યુનિયન યુનાઇટ કહે છે કે બર્મિંગહામ કાઉન્સિલે કરેલા ફેરફારોને કારણે 150 કામદારોને £8,000 ની ખોટ પડશે.
